Forbes Billionaire 2025 List: ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની 'રિયલ-ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ 2025' જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ફરી એકવાર અમેરિકન ઉદ્યોગપતિઓ અને ટેકનોલોજી ક્ષેત્રનો દબદબો જોવા મળ્યો છે. વિશ્વના ટોપ 10 ધનિકોમાં એક પણ ભારતીય સ્થાન મેળવી શક્યો નથી, જ્યારે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આ યાદીમાં 16મા ક્રમે છે.
વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વર્ષે અમેરિકાનું જોરદાર વર્ચસ્વ જોવા મળ્યું છે. ટોચના 10 અબજોપતિઓમાંથી 9 અમેરિકન નાગરિકો છે, જેમાંથી 8 ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ખાસ કરીને ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સર્ગેઈ બ્રિન માટે આ વર્ષ અત્યંત ફાયદાકારક રહ્યું છે. ગૂગલના આધુનિક AI મોડલ ‘Gemini-3’ની તાબડતોડ સફળતાના કારણે બંનેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને કારણે તેઓએ સીધા ટોપ 5માં સ્થાન બનાવી લીધું છે.
ભારત તરફ નજર કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ નેટવર્થ $112 બિલિયન છે. તેમ છતાં તેઓ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં 16મા ક્રમે છે. રસપ્રદ બાબત એ છે કે અમાન્સિયો ઓર્ટેગા, રોબ વોલ્ટન, જિમ વોલ્ટન અને એલિસ વોલ્ટન જેવા વૈશ્વિક દિગ્ગજ ટોપ 10માં નથી, પરંતુ તેમની સંપત્તિ હજી પણ મુકેશ અંબાણી કરતાં વધુ છે.
વિશ્વના ટોપ 10 અબજોપતિઓની યાદી
- Elon Musk (સંપત્તિ: $460.4 બિલિયન) ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ ટેસ્લામાં 12% અને સ્પેસએક્સમાં 42% હિસ્સો ધરાવે છે.
- Larry Ellison (સંપત્તિ: $248.4 બિલિયન) ઓરેકલના સ્થાપક લેરી એલિસન બીજા ક્રમે છે. તેઓ કંપનીમાં 41% હિસ્સો ધરાવે છે.
- Larry Page (સંપત્તિ: $246.2 બિલિયન) ગૂગલ (આલ્ફાબેટ) ના સહ-સ્થાપક લેરી પેજ ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આવેલી તેજીને કારણે તેમણે જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે.
- Jeff Bezos (સંપત્તિ: $233.5 બિલિયન) એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ચોથા ક્રમે છે. તેઓ એમેઝોનમાં 8.6% હિસ્સો ધરાવે છે.
- Sergey Brin (સંપત્તિ: $228.3 બિલિયન) ગૂગલના અન્ય સહ-સ્થાપક સર્ગેઈ બ્રિને માર્ક ઝુકરબર્ગને પછાડીને પાંચમું સ્થાન મેળવ્યું છે. તેમની પાસે આલ્ફાબેટના આશરે 6% શેર છે.
- Mark Zuckerberg (સંપત્તિ: $204 બિલિયન) મેટા (ફેસબુક) ના CEO માર્ક ઝુકરબર્ગ યાદીમાં છઠ્ઠા સ્થાને છે અને તેઓ મેટામાં 13% હિસ્સો ધરાવે છે.
- Bernard Arnault (સંપત્તિ: $184.6 બિલિયન) ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ Top 10 યાદીમાં એકમાત્ર બિન-અમેરિકન અને બિન-ટેક ઉદ્યોગપતિ છે. તેઓ લક્ઝરી બ્રાન્ડ LVMH ના માલિક છે.
- Jensen Huang (સંપત્તિ: $155.4 બિલિયન) AI ચિપ્સ બનાવતી કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગ આઠમા ક્રમે છે.
- Warren Buffett (સંપત્તિ: $149 બિલિયન) શેરબજારના બાદશાહ ગણાતા વોરેન બફેટ નવમા ક્રમે છે. તેઓ બર્કશાયર હેથવેના સૌથી મોટા શેરધારક છે.
- Steve Ballmer (સંપત્તિ: $144.4 બિલિયન) માઈક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બાલ્મર દસમા ક્રમે છે, જેઓ માઈક્રોસોફ્ટમાં 4% હિસ્સો ધરાવે છે.


