Lakshmi Mittal Net Worth 2025: ભારતીય મૂળના 75 વર્ષીય અબજોપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ યુનાઇટેડ કિંગડમ (યુકે) છોડવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલોને કારણે સમાચારોમાં છે. રાજસ્થાનમાં જન્મેલા સ્ટીલ ઉદ્યોગના આ દિગ્ગજ કે જે આર્સેલરમિત્તલના સ્થાપક છે. ધ સંડે ટાઇમ્સના અહેવાલ અનુસાર લક્ષ્મી મિત્તર હાલ સ્વિટ્ઝર્લેન્ડમાં રહે છે. ચાલો જાણીએ તેઓ કેટલી સંપત્તિના માલિક છે.
લક્ષ્મી મિત્તલ પાસે કેટલી સંપત્તિ છે
કિંગ ઓફ સ્ટીલ તરીકે જાણીતા લક્ષ્મી મિત્તલે આર્સેલરમિત્તલ દ્વારા મોટી સંપત્તિ એકઠી કરી છે. આ વર્ષની સંડે ટાઇમ્સ રિચ લિસ્ટ અનુસાર તેમની અંદાજિત નેટવર્થ 15.4 બિલિયન ડોલર (આશરે રૂ. 1.90 લાખ કરોડ) છે. આના કારણે તેઓ યુકેના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ (Forbes) અનુસાર 24 નવેમ્બર 2025 સુધીમાં લક્ષ્મી મિત્તલની રિયલ-ટાઇમ નેટવર્થ 21.4 બિલિયન ડોલર(રૂ. 1,77,620 કરોડ) છે. આ સંપત્તિ સાથે તેઓ વિશ્વના 105મા સૌથી ધનિક વ્યક્તિ છે. 2025 મુજબ તેઓ ભારતના સૌથી ધનિક અબજોપતિઓમાં 12મા ક્રમે છે. લક્ષ્મી મિત્તલ આર્સેલરમિત્તલના ચેરમેન છે. આર્સેલરમિત્તલ આઉટપુટની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સ્ટીલ અને માઇનિંગ કંપની છે, જેની આવક 62.4 બિલિયન ડોલર છે.
અબજોપતિ લક્ષ્મી મિત્તલની વૈભવી સંપત્તિઓ
લક્ષ્મી મિત્તલનું મુખ્ય મેન્શન કે જેને "તાજ મિત્તલ" તરીકે ઓળખવામાં આવે છે, તે 2004માં 57 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું. આ ઘર 55,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તે માર્બલથી ડિઝાઇન કરાયેલું છે. આ મેન્શનમાં બોલરૂમ, જ્વેલરીથી સુશોભિત સ્વિમિંગ પૂલ, ટર્કિશ બાથ અને 20 કાર માટે પાર્કિંગની જગ્યાનો સમાવેશ થાય છે.
મિત્તલ પાસે પ્રાઇવેટ જેટ અને 267.5 ફૂટની વૈભવી યાટ 'અમેવી' પણ છે. આ યાટ 2007માં આશરે 150 મિલિયન ડોલરમાં બનાવવામાં આવી હતી. તેમના કાર કલેક્શનમાં પોર્શ બોક્સસ્ટર (Porsche Boxster), ઘણી રોલ્સ-રોયસ (Rolls-Royces), મર્સિડીઝ-બેન્ઝ (Mercedes-Benz) ના બહુવિધ મોડલ અને હાઇ-એન્ડ રિક્રિએશનલ વાહનોની શ્રેણીનો સમાવેશ થાય છે. તેમની પાસે રસોડું, બેડરૂમ અને લાઉન્જ સાથેની એક વૈભવી વેનિટી વાન પણ છે.

