Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જાણીતી ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) એ થાઈલેન્ડમાં પ્રવેશ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. થાઈલેન્ડમાં પણ ફિલ્મના સત્તાવાર શો યોજાયા છે, જે પ્રાદેશિક સિનેમાની વધતી જતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા સાબિત કરે છે.
વૈશ્વિક સ્તરે ફિલ્મને મળ્યો બહોળો પ્રતિસાદ
'લાલો' ફિલ્મને અગાઉથી જ વિવિધ દેશોમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ આ ફિલ્મને પ્રેમથી વધાવી લીધી છે. આંતરરાષ્ટ્રીય સફળતાની આ શૃંખલામાં હવે થાઈલેન્ડનું નામ પણ ઉમેરાયું છે, જ્યાં સ્થાનિક ભારતીય સમુદાયે ફિલ્મનો આનંદ માણ્યો હતો. થાઈલેન્ડમાં ફિલ્મનું સ્ક્રિનિંગ પ્રખ્યાત SF Cinema Terminal 21 Rama 3 ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રથમ શો 22 નવેમ્બર 2025, શનિવારના રોજ રાત્રે 8:00 થી 11:00 અને બીજો શો 23 નવેમ્બર 2025, રવિવારના રોજ બપોરે 2:00 થી સાંજે 5:00 સુધી યોજાયો હતો.
કરણ જોશીએ માન્યો આભાર
આ ફિલ્મના લાલો રોલ પ્લે કરનાર અભિનેતા કરણ જોશીએ એક વીડિયોમાં કહ્યું કે, 'જય શ્રીકૃષ્ણ જય દ્વારિકાધીશ. હું આજે તમને એક ખુશખબરી આપવા આવ્યો છું. અમારી ફિલ્મ 'લાલો' પહેલીવાર થાઈલેન્ડમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ગુજરાતી ફિલ્મ માટે કદાચ આ પહેલી જ ફિલ્મ હશે જે થાઈલેન્ડમાં પણ રિલીઝ થશે. તો અમારી ફિલ્મ તમને ખબર છે કે બહુ બધી કન્ટ્રીસમાં ચાલી રહી છે ઓડિયન્સનો પ્રેમ મળી રહ્યો છે. તો હવે થાઈલેન્ડ વાસીઓ પણ અમારી ફિલ્મ માણી શકશે. અને ખાસ હું આભાર વ્યક્ત કરવા માંગીશ લક્ષ્ય મેરભાઈનો કે અમને અમારી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય ત્યાં રિલીઝ કરવામાં હેલ્પ કરી રહ્યા છે. થેન્ક્યુ જય હિન્દ દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ.'

