Ahmedabad Suicide News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મૈત્રી શ્રીમાળી નામની એક મહિલાએ પોતાના ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આપઘાતનો આખો કિસ્સો કેદ થયો છે. મહિલાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પોલીસ તપાસમાં તેની લવમેરેજ અને પારિવારિક જીવન અંગેની વિગતો સામે આવી છે.
મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક મૈત્રી શ્રીમાળીના થોડા વર્ષો અગાઉ પ્રેમલગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ સાથે મનમેળ ન રહેતા તે પિયરમાં જતી રહી હતી. જોકે, બાદમાં ફરી સંબંધો સુધરતા તે પતિના ઘરે પરત ફરી હતી. મૈત્રીને બે વર્ષનો એક માસૂમ બાળક પણ છે. આ ઘટના ચાંદખેડાના દિવાળી હોમ્સમાં બની હતી. મૈત્રી શ્રીમાળીએ ફ્લેટના ત્રીજા માળેથી છલાંગ લગાવતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આપઘાત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Ahmedabad Suicide: ચાંદખેડામાં મહિલાની ત્રીજા માળેથી મોતની છલાંગ, ઘટના CCTVમાં કેદhttps://t.co/gL019xLVcv#CCTV #CCTVVideoViral #Ahmedabad #Gujarat #GujaratNews #GujaratiNews #GujaratiJagran pic.twitter.com/Lcz18HYNHr
— rakesh shukla (@rakeshashukla) November 24, 2025
મહિલાના આપઘાતની ઘટના CCTVમાં કેદ
મહિલાના આપઘાતની આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ફ્લેટમાં એક સફાઈકર્મી મહિલા કચરો વાળી રહ્યા હતા, ત્યારે અચાનક જ પાછળ એક મહિલા નીચે પટકાઈ હતી. મહિલા નીચે પટકાયા બાદ તેનો દુપટ્ટો પણ ઉડતો ઉડતો નીચે પડ્યો હતો. મહિલાને પડતી જોઈને સફાઈ કર્મચારી અને આસપાસ ઉભેલા લોકો ગભરાઈને તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી, પરંતુ મૃતક મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નહોતી, જેથી આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના આપઘાત બાદ પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.

