Anand News: આણંદ શહેરમાં પોલીસ તરીકે ઓળખ આપી લોકોથી સાથે ઠગાઈ કરવાની તૈયારીમાં ફરતા એક યુવકનો પર્દાફાશ થયો છે. આણંદ ટાઉન પોલીસે નકલી પોલીસ બનીને ફરતા 26 વર્ષીય સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રધુકુળ સોસાયટી, મોગર, તા. આણંદ) નામના યુવકને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસે ગુપ્ત બાતમીના આધારે તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર તપાસ હાથ ધરી હતી. ત્યાં કાળા રંગની બ્રેઝા કાર પાર્ક કરેલી જોવા મળી હતી જેમાં એક શખ્સ બેઠેલો હતો. પોલીસ ટીમે તેની પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે પોતાનું નામ સુરેંદ્રસિંહ લુહાર જણાવી પોતે પોલીસમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેણે પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસ લખેલું આઈ.ડી. કાર્ડ પણ બતાવ્યું હતું.
પરંતુ પોલીસ દ્વારા ફરજના સ્થળ તથા વિભાગ વિશે વિગતવાર પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. અંતે સુરેંદ્રસિંહે કબૂલાત કરી હતી કે તેની પાસે રહેલું પોલીસ આઈ.ડી. કાર્ડ બનાવટી છે. પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમ્યાન તેની તલાશી લેતાં બે મોબાઇલ ફોન, મીડિયાનું આઈ.ડી. કાર્ડ તેમજ ગાડીમાંથી લાલ અને વાદળી કલરના રેડીયમ પટ્ટાવાળી ‘POLICE’ લખેલી પ્લેટ મળી આવી હતી. પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેંદ્રસિંહ પાસેથી મળેલ બનાવટી આઈ.ડી. કાર્ડમાં ઓળખપત્ર નંબર 961 અને ઈસ્યુ તારીખ 28/05/2014 દર્શાવવામાં આવી હતી. કાર્ડમાં તેનું નામ “સુરેંદ્રસિંહ ભરતસિંહ” અને હોદ્દો “Police Constable” અંગ્રેજીમાં લખેલું હતું, તેમજ ફોટો પણ જોડાયેલો હતો.
આણંદ ટાઉન પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 204, 205, 336(2) અને 340(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી વિવિધ વિસ્તારોમાં નકલી પોલીસ તરીકે પોતાની ઓળખ આપી લોકોને ભ્રમિત કરતો હતો. પોલીસે હવે તેની પાસેથી અન્ય કોઈ ગુનાખોરીના કિસ્સા જોડાયેલા છે કે નહીં તેની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે સરળતાથી પોલીસની ઓળખ બનાવી શકે છે, જે સુરક્ષા તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે.

