Gujarat News Today Live:સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. SOGની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડીને કપાસના વાવેતરની આડમાં કરવામાં આવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડની કિંમત પોણા ત્રણ કરોડ આંકવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. SOGની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડીને કપાસના વાવેતરની આડમાં કરવામાં આવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડની કિંમત પોણા ત્રણ કરોડ આંકવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ સમક્ષ SIR કામગીરીનો સમયગાળો વધારવાની માંગ કરવામાં આવી છે. સરકારી તંત્રની અણઆવડતથી મતદારો અને BLO પરેશાન છે. અહેવાલ મુજબ, 25 તારીખ સુધીમાં માત્ર 50% મતદારોના ફોર્મ જ જમા થયા છે. 67 લાખ જેટલા ફોર્મ ચકાસણી વગર જમા થયા, જે રાજકીય ષડયંત્ર હોવાની શંકા છે. 4 ડિસેમ્બર છેલ્લી તારીખ હોવાથી, ફેબ્રુઆરી સુધી SIRની કામગીરી લંબાવવાની માંગ કરાઈ છે, જેથી કામગીરી યોગ્ય રીતે થઈ શકે.
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે તંત્રની કાર્યવાહી વધુ કડક બની રહી છે. પનીરના નમૂના લેવાયા બાદ તે ફેલ થતાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો પ્રથમ બનાવ સુરતમાં બન્યો છે.ખટોદરા પોલીસ મથકમાં SOG પોલીસે 'સુરભી ડેરી' ના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ડેરીમાંથી આશરે 754 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ડીસા-રાધનપુર હાઇવે બ્રિજ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તાની બાજુમાં ઉભેલા એક ડમ્પરને પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાવહ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી ખાતે રાજ્યના 13મા અદ્યતન બસપોર્ટનું લોકાર્પણ કરશે. આ બસપોર્ટ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના વિઝનનો એક ભાગ છે, તે રૂ. 82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે. મુસાફરોની સુગમતા માટે અહીં ડિલક્ષ વેઈટિંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રિફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરા જેવી સવલતો ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના અનેક મંત્રીઓ હાજર રહેશે, જે ગુજરાતને પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ પ્રદાન કરવામાં અને નવી આર્થિક તકો ઊભી કરવામાં મદદરૂપ થશે.
