ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર ડૉક્ટરોએ સસ્પેન્શન રદ કરાવવા અરજી કરી; હાઈકોર્ટે કહ્યું, 'રેગિંગની સજા ઓછી છે, તમે તબીબ થવાને લાયક નથી'

રેગિંગ કરનાર 15 સિનિયર મેડિકલ વિદ્યાર્થીઓએ તેમને ફટકારેલી બે વર્ષની સસ્પેન્શનની સજા રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 07 Nov 2025 12:32 PM (IST)Updated: Fri 07 Nov 2025 12:32 PM (IST)
high-court-slams-dharpur-medical-college-doctors-ragging-punishment-too-lenient-unfit-to-be-doctors-633804
HIGHLIGHTS
  • આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્ઝર દેસાઈએ રેગિંગ કરનાર સિનિયર વિદ્યાર્થીઓના વલણની આકરી ટીકા કરી હતી.
  • કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું, આ સજા હજુ ઘણી ઓછી છે, તેમને વધુ કડક સજા મળવી જોઇએ.

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં રેગિંગના કારણે જુનિયર વિદ્યાર્થી અનિલ મેઠાણિયાનું મૃત્યુ નીપજાવવાના અત્યંત ગંભીર મામલે કડક વલણ અપનાવ્યું છે. રેગિંગ કરનાર 15 સિનિયર મેડિકલ વિદ્યાર્થીઓએ તેમને ફટકારેલી બે વર્ષની સસ્પેન્શનની સજા રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેમની અરજીનો આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો.

સજા રદ કરવાની અરજી સામે કોર્ટનો સણસણતો જવાબ

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્ઝર દેસાઈએ રેગિંગ કરનાર સિનિયર વિદ્યાર્થીઓના વલણની આકરી ટીકા કરી હતી. વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે તેઓ એક વર્ષથી સસ્પેન્ડ છે અને હવે માફી મળવી જોઈએ. તેના જવાબમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું, આ સજા હજુ ઘણી ઓછી છે, તેમને વધુ કડક સજા મળવી જોઇએ. આવા લોકોને લીધે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. શું આ વિદ્યાર્થીઓ ખરેખર ભવિષ્યના તબીબ થવાને લાયક છે?. કોર્ટે સિનિયર વિદ્યાર્થીઓને તેમની ભૂલની ગંભીરતાનો અહેસાસ કરાવતા કહ્યું હતું કે જો તેમને તેમની કારકિર્દી બનાવવાની ચિંતા હોય, તો દરેકે મૃતક યુવાન અનિલના પિતાને રૂપિયા 50 લાખ ચૂકવવા પડશે.

માત્ર મજા માટે લીધેલો જીવ

કોર્ટે વિદ્યાર્થીઓ પર આક્રોશ વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, માતાપિતાનાં સ્વપ્ન પૂરા કરવા આવેલી એક વ્યક્તિનો જીવ માત્ર મજા માટે લેવાય તે યોગ્ય છે? તમારી થોડી મજા માટે આપણે એક ડૉક્ટર ગુમાવ્યો. તેનું કોઈ દુઃખ નથી? માનસિક યાતના શારીરિક ત્રાસ કરતાં હજાર ગણી વધારે હોય છે. કોર્ટે વધુમાં પૂછ્યું હતું કે, શું રેગિંગ કરનાર પ્રત્યેક સિનિયર ડૉક્ટર મૃતક યુવાનના પિતાને રૂપિયા 35 લાખ અને સરકારને રૂપિયા 15 લાખ ચૂકવવા તૈયાર છે?

શું હતો સમગ્ર બનાવ?

આ ગંભીર બનાવ 16 નવેમ્બરે પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં બન્યો હતો. એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેઠાણિયાને 15 સિનિયર વિદ્યાર્થીઓએ ભેગા મળીને ભયાનક રીતે રેગિંગ કર્યું હતું. તેમણે અનિલના બંને હાથ પાછળ બાંધીને લગભગ 3 કલાક સુધી માત્ર એક પગ પર ઊભો રાખ્યો હતો, જેના કારણે તે લગભગ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ અનિલનું મૃત્યુ થયું હતું, જેણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો અને મેડિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના ભયાનક સ્વરૂપને ઉજાગર કર્યું હતું. હાલમાં ૧૫ વિદ્યાર્થીઓ તરફથી 17-11-2024ના રોજ થયેલા સસ્પેન્શનના હુકમને રદ કરવા અરજી કરાઈ છે, પરંતુ હાઈકોર્ટના કડક વલણથી હવે તેમની મુશ્કેલીઓ વધી છે.