મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 11મો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો, અમદાવાદ નજીક સ્થાપિત કરાયેલો બ્રિજ 70 મીટર લાંબો

ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકને સમાંતર સ્થિત આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. આ બ્રિજ નવસારી ખાતેની એક અત્યાધુનિક વર્કશોપમાં તૈયાર કરાયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 24 Nov 2025 06:10 PM (IST)Updated: Mon 24 Nov 2025 06:10 PM (IST)
mumbai-ahmedabad-bullet-train-11th-70-meter-steel-bridge-launched-near-ahmedabad-643813

Mumbai Ahmedabad Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની નિર્ધારિત ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. આ મેગા પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. અમદાવાદ જિલ્લામાં આવેલા કાડીલા ફ્લાયઓવર પર બુલેટ ટ્રેન માટે 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. 70 મીટર લાંબો આ બ્રિજ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે એક મહત્વપૂર્ણ કડી બન્યો છે.

આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા નિર્મિત, આ સ્ટીલ બ્રિજ 670 મેટ્રિક ટન વજન ધરાવે છે. ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકને સમાંતર સ્થિત આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકને સમાંતર સ્થિત આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. આ બ્રિજ નવસારી ખાતેની એક અત્યાધુનિક વર્કશોપમાં તૈયાર કરાયો હતો. તેને હેવી-ડ્યુટી ટ્રેલર્સ દ્વારા નિર્માણ સ્થળ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું હતું.

29,300 ટોર્-શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ કરાયો

આ બ્રિજને કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવેના ટ્રેક નજીક, જમીનથી 16.5 મીટર ઊંચે ખાસ ડિઝાઈન કરાયેલા સ્ટીલ સ્ટેજિંગ પર એસેમ્બલ કરાયો હતો. તેની મજબૂતી અને લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે આશરે 29,300 ટોર્-શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ કરાયો છે. વધુમાં, તેને C5 સિસ્ટમ પેઈન્ટિંગથી કોટિંગ કરવામાં આવ્યું છે, જે વાતાવરણની અસરો સામે રક્ષણ આપીને તેની આયુષ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.

કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના

નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના છે. તેમાંથી 17 બ્રિજ ગુજરાતમાં અને 11 બ્રિજ મહારાષ્ટ્રમાં નિર્માણ પામશે. આ 11મા સ્ટીલ બ્રિજના સફળ લોન્ચિંગ સાથે, પ્રોજેક્ટ તેના લક્ષ્યાંક તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે. આવા વિશાળ અને જટિલ માળખાકીય નિર્માણો સમયસર પૂર્ણ થવાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળી રહ્યો છે, જે ભવિષ્યમાં આર્થિક વિકાસ અને કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવવાની તેની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.

રાજ્યમાં અગિયાર આધુનિક સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ

  • સુરતમાં નેશનલ હાઈવે 53 પર 70 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 673 મેટ્રિક ટન છે.
  • વડોદરા-અમદાવાદ મેઈન રેલવે લાઈન પાસે નડિયાદ નજીક 100 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 1486 મેટ્રિક ટન છે.
  • વડોદરા નજીક દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર 230 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 4397 મેટ્રિક ટન છે.
  • દાદરા અને નગર હવેલીમાં સિલ્વાસા નજીક 100 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 1464 મેટ્રિક ટન છે.
  • વડોદરામાં વેસ્ટર્ન રેલવે ઉપર 60 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 645 મેટ્રિક ટન છે.
  • સુરતમાં બે DFCC ટ્રેક અને બે વેસ્ટર્ન રેલવે ટ્રેક ઉપર 100 અને 60 મીટરના બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેનું વજન 2040 મેટ્રિક ટન છે.
  • વડોદરા નજીક બે DFCC ટ્રેક ઉપર 70 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 674 મેટ્રિક ટન છે.
  • ભરૂચ નજીક DFCC ટ્રેક ઉપર 100 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 1400 મેટ્રિક ટન છે.
  • નડિયાદ નજીક NH-48 ઉપર 2 x 100 મીટરના બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેનું વજન 2884 મેટ્રિક ટન છે.
  • અમદાવાદમાં રેલવે ફેસિલિટી (લોન્ડ્રી)માં 60 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 485 મેટ્રિક ટન છે.
  • અમદાવાદમાં કેડિલા ફ્લાયઓવર ઉપર 70 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું વજન 670 મેટ્રિક ટન છે.