Amreli: ઓક્ટોબર મહિનાના અંતમાં તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે વિપક્ષ ખેડૂતોને યોગ્ય સહાયની ચૂકવણીની માગ સાથે સરકારને ઘેરી રહી છે, એવામાં પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્રના રાજકારણની રગેરગથી વાકેફ દિલીપ સાંઘાણીની એક પોસ્ટને લઈને તરેહ-તરેહની અટકળો થઈ રહી છે.
હકીકતમાં માવઠાના કારણે થયેલા નુકસાનને લઈને રાજ્યભરના ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી પાક નુકસાનીનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોની મુલાકાતે દોડી ગયા હતા. વિપક્ષ પણ સરકાર પર માછલા ધોઈ રહી છે, ત્યારે દિલીપ સાંઘાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'દિકરીના નિહાપા..લાગ્યા!' એવી ટૂંકી અને સૂચક પોસ્ટ મૂકતા ચર્ચા જાગી છે.
આ પણ વાંચો
દિકરીને ઉદ્દેશીને દિલીપ સાંઘાણી દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટને અમરેલીમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાંડ સમયે પાયલ ગોટી નામની પાટીદાર દીકરીનો રિ-કન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, તેની સાતે સાંકળવામાં આવી રહી છે.
અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, ભૂતકાળમાં પાયલ નામની દીકરીને જેલમાં ધકેલીને જુલમ ગુજારવામાં આવ્યો હતો. આથી હવે કુદરતે તેમને સબક શીખવવાનું શરૂ કર્યું છે.
દિકરીના નિહાપા..... લાગ્યા !
— DILEEP SANGHANI (@Dileep_Sanghani) November 3, 2025
ઉલ્લેખનીય છે કે, અગાઉ દિલીપ સાંઘાણીએ ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થવાની હતી, ત્યારે નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલને જાણ નથી કરવામાં આવી તેવું નિવેદન આપ્યું હતુ. જેના પગલે સરકારે રાતોરાત ખરીદીને મુલતવી રાખવાની જાહેરાત કરવી પડી હતી.

