Amreli News: ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં આ મુદ્દે મોટો ભડકો થયો છે. આ સહાય પેકેજથી નારાજ થઈને અમરેલી જિલ્લામાં ભાજપની પહેલી વિકેટ પડી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ સહાય પેકેજની જાહેરાતને 'ખેડૂતોની મશ્કરી' સમાન ગણાવીને પક્ષમાંથી લેખિતમાં રાજીનામું ધરી દીધું છે.
રાજીનામું આપનાર નેતા ચેતન માલાણી છે, જેઓ સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ સાવરકુંડલા APMCના ડાયરેક્ટર અને ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા હતા. ચેતન માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને મોકલી આપ્યું હતું.
રાજીનામા પત્રમાં ચેતન માલાણીએ પોતાની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરાયેલું સહાય પેકેજ તબાહ થયેલા ખેડૂતોની મશ્કરી સમાન છે. રાજીનામા પાછળનું મુખ્ય કારણ 2024ની અતિવૃષ્ટિમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે. આ નીતિ અને જાહેર થયેલું પેકેજ ખેડૂતો માટે પૂરતું ન હોવાથી તેમણે આ પગલું ભર્યું છે.
ખેડૂત પુત્ર તરીકેની નૈતિકતાના ધોરણે તેમણે આ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. સહાય પેકેજની જાહેરાત થતાં જ અમરેલી જિલ્લા ભાજપમાં તણાવ ફેલાયો હતો અને સાવરકુંડલા માંથી આ પહેલી 'ડૂલ' થઈ છે. ચેતન માલાણીના આ રાજીનામાથી સ્પષ્ટ થાય છે કે, સરકારની સહાય નીતિને લઈને સ્થાનિક સ્તરે ભાજપના નેતાઓમાં ગંભીર અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ ઘટનાએ જિલ્લા સ્તરના નેતૃત્વ માટે નવા પડકારો ઊભા કર્યા છે.

