Anand News: 26મી નવેમ્બરથી 6ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ 150 કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રી મંડળના અન્ય મંત્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 02 Nov 2025 05:48 PM (IST)Updated: Sun 02 Nov 2025 06:28 PM (IST)
anand-news-national-padyatra-from-karamsad-to-kevadia-from-nov-26-to-dec-6-to-mark-sardar-patels-150th-jayanti-631197

Anand News: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસરે આગામી તા. 26 નવેમ્બર થી તા. 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ 150 કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને ઉજાગર કરતી આ રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રી મંડળના અન્ય મંત્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક આણંદ સ્થિત એન.ડી.ડી.બી. ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડીતતા માટે આપેલ યોગદાનને જન જન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહેશે. આ પદયાત્રા એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવી જોઈએ. જેમાં સ્વચ્છતાની સાથે આત્મ નિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે.

કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપતાં કહયું કે, પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ સબંધિત વિસ્તારોમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન-ક્વનથી લોકોને માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી જે લોકો ગામના વિકાસમાં સહભાગી બન્યા હોય તેવા નાનામાં નાના માણસને સન્માનવા જોઈએ.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પદયાત્રા સાથે જન જન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે. આ પદયાત્રાના રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન-કવન ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે તે ઈચ્છનિય છે. આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાઓની સાથે અબાલ વૃધ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેના પ્રદર્શન સ્ટોલ તથા સ્વછતા અભિયાનને સાર્થક કરતા સંદેશ પણ પદયાત્રા થકી લોકોને મળી રહે તે જોવા જણાવ્યું હતુ. તેમણે પદયાત્રાના રૂટમાં આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવાના સૂચન સાથે સરદાર યાત્રા એ સરદાર પટેલ જેવા લોહપુરૂષની આભાને અનુરૂપ બની રહે તે જોવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજય મંત્રી રક્ષા નિખિલ ખડસે, રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકર, જિલ્લા અગ્રણી સંજ્ય પટેલ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવ પલ્લવી જૈન સહિતના મહાનુભાવોએ પદયાત્રાના રૂટ, યાત્રામાં જન જનની ભાગીદારી, રૂટના પડાવના સ્થળે પદયાત્રીઓની રાત્રિ નિવાસ, ભોજન સહિતની બાબતો, સરદાર પટેલના જીવન ક્વનને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સરદાર સ્મૃતિ વનના નિર્માણ અને એક પેડ મા કે નામ અંતર્ગત 562 જેટલા વૃક્ષોનું વાવેતર, સ્વચ્છતા અને સ્વદેશી તથા સરદાર પટેલના વિચારને મૂર્તિમંત કરતાં કાર્યો થકી આ પદયાત્રા સાચા અર્થમાં જન-જનની યાત્રા બને રહે તે માટે તેમના વિચારો - સૂચનો રજુ કર્યા હતા.

બેઠકના પ્રારંભમાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત રૂપરેખા આપી હતી, તથા બેઠકના અંતમાં તેમણે મંત્રી તથા મહાનુભાવો તરફથી મળેલ સૂચનોને અનુરૂપ રાષ્ટ્રીય પદયાત્રાનું સફળ આયોજન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. બેઠક બાદ મંત્રીઓ તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.