Bharuch: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન ડેડીયાપાડાના લોકપ્રિય આદિવાસી યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં થયું હતું. વહેલી સવારે જ હજારો આદિવાસી ભાઈ-બહેનો નેત્રંગના મુખ્ય મેદાનમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સાહનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. તેમણે ભાવનાત્મક ભાષણમાં ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, ત્યાગ અને આદિવાસી હક્કો માટેની અવિરત લડતને યાદ કરાવી હતી. વસાવાએ સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને એકતાનું મહત્વ ઉજાગર કરતાં સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન અને સમગ્ર વ્યવસ્થા પણ વસાવાની ટીમ દ્વારા અત્યંત સુવ્યવસ્થિત રીતે સંભાળી લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બિરસા મુંડાના આદર્શોને યાદ કરી સમાજ વિકાસ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ સાબિત કર્યું કે, બિરસા મુંડાના વિચારોએ સમાજને ઊંડો પ્રભાવિત કર્યો છે. આ સમગ્ર આયોજનથી આદિવાસી સમાજે પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો છે.

