Bharuch: એકતરફ ગુજરાતીઓ નવા વર્ષના આગમનના વધામણા કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ બનેવીના હાથ સાળાની હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં રહેતા સુનિલ ગામિતના લગ્ન અંકલેશ્વરના ગડખોલ ગામની યુવતી સાથે થયા હતા. જો કે સુનિલ પત્ની સાથે મારઝૂડ કરતો હોવાથી તે ગડખોલની પ્રમુખ પાર્ક સોસાયટીમાં પોતાના પિયરમાં આવી હતી.
આથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુનિલ પત્નીને લઈ જવા માટે ગડખોલ આવ્યો હતો. જ્યાં સુનિલની સાળા ભાવિન ગામિત સહિત અન્ય સાસરિયાઓ સાથે માથાકૂટ થઈ હતી.
આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સુનિલ ગામિત પોતાની પાસે રહેલી છરી લઈને સાળા ભાવિન ગામીત પર તૂટી પડ્યો હતો. ભાવિન ગામીતને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તે ત્યાં જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ મોતને ભેટ્યો હતો. જે બાદ સુનિલ ગામમાંથી ભાગી ગયો હતો.
હાલ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા હત્યારા બનેવી સુનિલ ગામીતની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

