Bharuch News: અંકલેશ્વરમાં હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરનાર મદ્રેસાના મૌલવી વિશે તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી મૌલવી અઝ્વદ બેમાત કેનેડાની નાગરિકતા ધરાવે છે અને લાંબા સમયથી સ્થાનિક સ્તરે ધર્મીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. મહિલા સાથે દુષ્કર્મ બાદ તેને ધર્માંતરણ કરવા દબાણ કરવા ઉપરાંત તેના બે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ સામે આવ્યું છે.
પાનોલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અનુસાર, સુરત જિલ્લાના એક ગામમાં રહેતી વિવાહિત મહિલાનો પરિચય તેની બહેનપણી મારફતે મૌલવી અઝ્વદ સાથે થયો હતો. પરિચય બાદ મૌલવી વારંવાર ફોન અને મેસેજ દ્વારા મહિલાને સંપર્ક કરતો હતો અને લગ્ન કરવાની લાલચ આપીને તેને માનસિક દબાણમાં લેતો રહ્યો હતો.
આ ઘટનાના દિવસે, 9મી નવેમ્બરે, મૌલવીએ મહિલાને મદ્રેસા નજીક તેના નિવાસ સ્થાને બોલાવી હતી. ત્યાં તેણે મહિલાને સુગંધિત પાણી પિવડાવ્યું, જે પીતા જ તે અચેત થઈ ગઈ. બેભાન હાલતમાં મહિલાની ઈજ્જત લૂંટી હતી. બાદમાં ભાનમાં આવ્યા પછી મહિલાને આ ઘટનાની જાણ થતાં મૌલવીએ ધર્માંતરણ માટે દબાણ કર્યું હતું અને વાત બહાર કરીશ તો બદનામ કરવાની ઉપરાંત બાળકોની હત્યા કરવાની ગંભીર ધમકી આપી હતી.
પોલીસે કેસ દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન આરોપી અઝ્વદ બેમાતના પાસે કેનેડાની નાગરિકતા હોવાની અને તે વારંવાર વિદેશ યાત્રા કરતો હોવાની માહિતી મળી છે. જિલ્લા એસપી અક્ષય રાજે જણાવ્યું હતું કે, મહિલાએ વારંવાર મળેલી ધમકીઓ અને દબાણને કારણે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું હતું. હાલ આરોપીની પૃષ્ઠભૂમિ, પાસપોર્ટ, વિદેશી કનેક્શન તથા સંભવિત અન્ય પીડિતાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘટનાને ગંભીરતા સાથે લઈ વધુ પુરાવા એકત્ર કરવા રીમાન્ડ દરમિયાન વિગતવાર પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે આ બનાવે ભારે ચકચાર મચાવી છે.

