Bharuch: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામમાં એક ચિંતાજનક ઘટના બની છે. જ્યાં એક હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધા બાદ ગામના લગભગ 32 જેટલા ગ્રામજનોએ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં જઈને હડકવા વિરોધી વેક્સિન મુકાવવી પડી છે. આ બનાવથી સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ગામના જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની એક ભેંસને થોડા દિવસો પહેલાં હડકવા ગ્રસ્ત કૂતરાએ કરડ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામમાં હડકવાનો ભોગ બનેલી ભેંસનું દૂધ પીધા પછી 32 જેટલા ગ્રામજનોને તકેદારીના ભાગરૂપે હડકવા વિરોધી વૅક્સિન મૂકાવવાની ફરજ પડી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોબલા ગામમાં રહેતા જયેન્દ્રસિંહ રાજની એક ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડ્યું હતુ. જેના પગલે ભેંસમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. જ્યારે ગામના 32 જેટલા લોકોએ અજાણતામાં હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધુ હતુ. જેના ત્રણ દિવસ બાદ ભેંસ મોતને ભેટી હતી.
ભેંસના મોત બાદ તબીબી તપાસમાં હડકવાની પુષ્ટિ થઈ હતી. જેના કારણે નાના એવા કોબલા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ. જેથી તકેદારીના ભાગરૂપે હડકવાગ્રસ્ત ભેંસના માલિક સહિત ગામના 32 લોકો જેમણે દૂધ પીતુ હતુ, તેઓ આમોદ આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. હાલ તો આમોદ આરોગ્ય કેન્દ્રમાં સાવચેતીના ભાગરૂપે 32 ગ્રામજનોને હડકવા વિરોધી વૅક્સિન આપવામાં આવી છે.

