Bharuch: અંકલેશ્વરની DCB બેંકમાં નકલી સોનું મુકાવી લાખોની લોન મેળવવામાં આવી હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે બેંકના ગોલ્ડ લોન મેનેજર સહિત ત્રણ જણા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે લોન લેનાર બંને આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અંકલેશ્વર GISC વિસ્તારમાં ડેપો સામે આવેલા અનમોલ પ્લાઝામાં ડીસીબી બેંકની શાખા આવેલી છે. આ શાખાના ગોલ્ડ લોન વિભાગમાં ફરજ બજાવતા મેનેજર અલય અમૃત વસાવા પર પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ કરવાનો આરોપ છે. તેમણે રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવીણ પઢીયાર સાથે મળીને નકલી સોનું ગીરવે મૂકી લોન મેળવવાનો ગુનો આચર્યો હતો.
ત્રણે વચ્ચેના ગઠબંધન હેઠળ રતન કસોટીયા અને વિશાલ પઢીયારે નકલી સોનું બેંકમાં ગીરવે મૂક્યું હતું, જેના આધારે મેનેજર વસાવાએ નિયમોનું ઉલ્લંઘન કરી રૂ. 16.81 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી હતી. આ લોનની રકમ જમા થયા બાદ ત્રણેય ઇસમો ગાયબ થઈ ગયા હતા.
આ કૌભાંડનો પર્દાફાશ માર્ચ મહિનામાં થયેલા આંતરિક ઓડિટ દરમિયાન થયો હતો. ઓડિટ ટીમે તપાસ દરમિયાન ગીરવે મૂકેલું સોનું તપાસતા તે નકલી હોવાનું બહાર આવ્યું, જેના પછી આખો ભાંડો ફૂટ્યો. આ ઘટના સામે આવતા જ બેંક મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અલય વસાવા તેમજ લોન લેનાર રતન કસોટીયા અને વિશાલ પઢીયાર સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ લોન લેનાર બંને આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

