સાયખાની કંપનીમાં વિસ્ફોટના CCTV: વિશાલયકરણી કંપનીમાં ભીષણ વિસ્ફોટ બાદ લાગી હતી આગ, ત્રણના મોત થયા હતા

આ વિસ્ફોટની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યા છે, જેમાં વીડિયોમાં અચાનક ચીંગારી ઉડતી જોવા મળે છે અને તેના સેકન્ડોમાં જ ફેક્ટરીના એક ભાગમાં ધડાકાભેર વિસ્ફોટ થાય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 14 Nov 2025 12:47 PM (IST)Updated: Fri 14 Nov 2025 12:54 PM (IST)
bharuch-news-saykha-gidc-blast-massive-fire-at-vishalyakarni-company-cctv-footage-viral-638000

Bharuch News: ભરૂચ જિલ્લાના સાયખા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી એક વિશાલયકરણી કંપનીમાં ગત મંગળવારની મધ્ય રાતે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ભયાનક ઘટનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 2 થી 3 કિલોમીટર વિસ્તારમાં રહેલા લોકો ઘાબડાઈ ગયા હતા. ઘટનામાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અનેક કામદારો ઘાયલ થયા હતા.

CCTVમાં કેદ થયો કપંનીમાં થયેલો વિસ્ફોટ

આ વિસ્ફોટની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યા છે, જેમાં વીડિયોમાં અચાનક ચીંગારી ઉડતી જોવા મળે છે અને તેના સેકન્ડોમાં જ ફેક્ટરીના એક ભાગમાં ધડાકાભેર વિસ્ફોટ થાય છે. વીડિયો વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટનામાં 14 લોકો ગાયબ હોવાનો આક્ષેપ

આ ઘટનાના બાબતે ભરૂચના એડવોકેટ કમલેશ મઢીવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા, માનવ અધિકાર આયોગ, NGT, CPCB, GPCB અને DISH સહિત વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં 14 લોકો ગાયબ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાવ સમયે ત્યાં 21 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 7 અંગે માહિતી છે, બાકી 14નું શું થયું તેની કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે.

એડવોકેટે કુલ 18 મુદ્દાઓ પર કાર્યવાહીની માગ કરી

એડવોકેટે કુલ 18 મુદ્દાઓ પર કાર્યવાહીની માંગ કરતા કહ્યું છે કે આ બનાવ માત્ર અકસ્માત નથી, પરંતુ કંપનીના અણઘડ વહીવટ, સલામતીના મુકામોનો અભાવ અને નિયમોની ધજયા ઉડાડવાના પરિણામે બનેલી માનવસર્જિત હોનારત છે. તેમણે FSL સહિતની વૈજ્ઞાનિક તપાસ, કંપની સામે ફેક્ટરી એક્ટ અને BNSની જોગવાઈઓ હેઠળ FIR, કંપનીનું લાઈસન્સ રદ્દ કરવું, એકમ કાયમી બંધ કરવું અને પર્યાવરણને થયેલા નુકસાનની વસુલાત કરવાની માંગ કરી છે. મૃતકોને ₹1 કરોડ વળતર તેમજ પરિવારને 60 વર્ષ સુધી પગાર–ભથ્થાં અને કાયમી નોકરી આપવાની માંગ પણ રજુઆતનો ભાગ છે. ઇજાગ્રસ્તોને ₹50 લાખ અને ગુમ થયેલા લોકોના સ્પષ્ટ આંકડા જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ ફરજિયાત કરાવવાની માંગણી પણ કરવામાં આવી છે.

ઓવરહિટિંગના કારણે રિએક્ટરમાં દબાણ વધ્યું હોવાની શક્યતા

વિસ્ફોટ બાદ આગ ફેલાતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓને સ્થળ પર દોડાવવી પડી હતી. ભારે કેમિકલ્સના કારણે આગ પર કાબૂ મેળવવામાં ટીમને લાંબો સમય લાગી ગયો હતો. સ્થાનિક પોલીસ, જિલ્લામાં SDRF ટીમ અને GPCBના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી . પ્રાથમિક તપાસ મુજબ, મશીનરી વિભાગમાં ઓવરહિટિંગના કારણે રિએક્ટરમાં દબાણ વધ્યું અને પછી વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જોકે તપાસ બાદ જ ચોક્કસ કારણ બહાર આવશે.

ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા

આ ઘટના બાદ આસપાસની ફેક્ટરીઓમાં પણ સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. ઉદ્યોગ વિસ્તારની સંસ્થાઓએ સલામતી નીતિઓનું તાત્કાલિક રિવ્યૂ કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ વારંવાર થતા કેમિકલ અકસ્માતોને પગલે સરકાર અને GIDC સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી છે. મૃતક કર્મચારીઓના પરિવારોને વળતર આપવાની માગ પણ રાજકીય પક્ષ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

સલામતી વ્યવસ્થાઓ વધુ કડક બનાવવાની તૈયારી

સાયખા GIDCમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગ અને વિસ્ફોટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેમિકલ યુનિટ્સમાં સલામતી સાધનોની સમયસર મેન્ટેનન્સ, ફાયર ઓડિટ અને નિયમિત ઇન્સ્પેક્શન ન થાય તો આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. તંત્ર હવે આ ઘટનાને ગંભીરતાથી લઈને સલામતી વ્યવસ્થાઓ વધુ કડક બનાવવાની તૈયારીમાં છે. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સલામતી નીતિઓ માત્ર કાગળો પર નહીં, પરંતુ વાસ્તવિક અમલમાં હોવી અત્યંત જરૂરી છે.