Bhauch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાંથી SOG પોલીસની ટીમે દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે અંકલેશ્વરની રોયલ એકેડમીના સંચાલકને ઝડપી પાડ્યો છે.
હકીકતમાં અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન SOGની ટીમને બાતમી મળી હતી કે, શહેરના હેપ્પી કોમ્પલેક્સમાં આવેલી રોયલ એકેડમી નામે ચાલતા કોમ્પ્યુટલ ક્લાસીસમાં ધોરણ 10,12 અને ITIની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે.
આ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડતા ક્લાસીસમાંથી મોટી સંખ્યામાં નકલી માર્કશીટો અને સર્ટીફિકેટો મળી આવ્યા હતા. જેમાં દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, સેકેન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન તેમજ પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ જેવા નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે ક્લાસીસના સંચાલક જયેશ પ્રજાપતિને ઝડપી પાડીને પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપી જયેશ પ્રજાપતિ નકલી સર્ટિફિકેટ તૈયાર કરવા માટે પ્રતિ વ્યક્તિ 15,000 રૂપિયા વસૂલતો હતો. તે દિલ્હી સ્થિત વ્યક્તિ પાસેથી આ માર્કશીટ તૈયાર કરાવતો અને તેને ઓનલાઈન રૂ 7,500 ચૂકવતો હતો. જ્યારે બાકીનો નફો પોતે રાખતો હતો. પોલીસએ તેની પાસેથી 21 નકલી માર્કશીટ, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઇલ તથા અન્ય દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ભરૂચ SOGએ આ કાર્યવાહીથી રાજ્ય સહિત દેશભરમાં ફેલાયેલા ડુપ્લિકેટ માર્કશીટના ગોરખધંધાને મોટો ઝટકો આપ્યો છે. હાલ આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે કે આ કૌભાંડની પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે.

