અંકલેશ્વર નજીક સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની કામગીરીથી મોટો બનાવ ટળ્યો

પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, રબર અને મેટલ સ્ક્રેપનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 22 Nov 2025 11:45 AM (IST)Updated: Sat 22 Nov 2025 11:45 AM (IST)
massive-fire-breaks-out-in-scrap-godown-near-ankleshwar-642560

Ankleshwar Fire News: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં મોડી રાતે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની બે ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી હતી. આગે થોડા જ સમયમાં ભયાનક સ્વરૂપ ધારણ કરવાની શક્યતા હતી, પરંતુ ફાયર ફાયટરોએ સમયસર કામગીરી હાથ ધરીને તેને વધુ ફેલાતી અટકાવી દીધી હતી.

ગોડાઉનમાં આગ લાગી

પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, રબર અને મેટલ સ્ક્રેપનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આવી સામગ્રી આગને ઝડપી રીતે પકડતી હોય ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેવા માટે ખાસ તકેદારી રાખવી પડી હતી. તીવ્ર ધુમાડાના ગોટાળા ઉડતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોને પણ થોડીવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે લગભગ એક કલાક સુધી કામગીરી ચાલુ રાખી હતી.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ વિસ્તારના સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ નવી નથી. સ્ક્રેપ સળગવાથી ઉત્પન્ન થતો ઝેરી ધુમાડો અને રાસાયણિક પ્રદૂષણને લઈને લોકો લાંબા સમયથી ચિંતિત છે. પર્યાવરણને થતાં જોખમ અને આસપાસના રહેણાંક વિસ્તારો પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને તેમણે ગોડાઉન સંચાલન અને સ્થાનિક તંત્રને કડક સુરક્ષા પગલાં કરવાની માંગ કરી છે.

ગયા અઠવાડિયે પણ આ જ ગોડાઉનમાં આગ લાગી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સતત બનતી ઘટનાઓને પગલે ગોડાઉન સંચાલનની બેદરકારી અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સની ખામીઓ ચર્ચામાં છે.

ફાયર વિભાગે ઘટનાના ચોક્કસ કારણોને શોધવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા સ્ક્રેપ સામગ્રીમાં સર્જાયેલા સ્પાર્કથી આગ લાગેલી હોઈ શકે છે, પરંતુ અધિકૃત કારણ તપાસ બાદ જ બહાર આવશે. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકો તેમજ તંત્રની સતર્કતા અને ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે એક મોટો અકસ્માત ટળી ગયો છે.