Gandhidham News: ગાંધીધામ શહેરના મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 11 મા અભ્યાસ કરતી સગીરાએ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. ત્યારે પુત્રીનાં મોતના આઘાતમાં ગઈકાલે વહેલી સવારે માતાએ પણ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
થોડા દિવસો પહેલા પુત્રીએ આપઘાત કર્યો હતો
ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના મહેશ્વરી નગરમાં કાળજું કંપારી દેનારી આ ઘટના સામે આવી છે. તારીખ 20 નવેમ્બરના બપોરના 2:45 વાગ્યાના અરસામાં મહેશ્વરી નગર મધ્યે મકાન નંબર 83 માં રહેતી અને ધોરણ 11મા અભ્યાસ કરતી 17 વર્ષીય ખુશાલી વાલજી મતિયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ થતાં ખુશાલી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.
માતાએ આઘાતમાં આપઘાત કર્યો
પુત્રીના આપઘાતથી માતા હંસાબેને ગઇકાલે સવારના 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે બાથરૂમમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી હતી. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરુ હતી. ત્યારે ખુશાલીબેનનાં મોત અંગે એ ડિવિઝન પોલીસ મથકેથી હિરેનભાઈ રાવલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કિશોરી ધોરણ 11મા અભ્યાસ કરતી હતી. પરંતુ કોઈ કારણોસર તેને આપઘાત કર્યો હતો. પુત્રીનાં મોતના બનાવથી માતા હંસાબેન પણ આઘાતમાં હતા અને આજે તેમને પણ આ પગલું ભર્યું છે. ત્યારે પુત્રીનાં મોતના કલાકોમાં જ માતાએ પણ દુનિયાને અલવિદા કહી દેતાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
ખુશાલીએ જન્મદિવસ કરી હતી આ માંગ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પુત્રીના મોતના આઘાતમાં માતાએ પણ આયખું ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે શનિવારે ખુશાલીનો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે ડ્રાઇવિંગ કરતા પિતા પાસે સ્માર્ટ વોચની માગણી કરી હતી. પિતાએ પણ સ્માર્ટ વોચ લઈ દેવાની વાત કરી હતી. કિશોરીએ જીવ ત્યજી દેતા મોત પાછળના ચોક્કસ કારણો જાણવા પોલીસે ધોરણસરની તજવીજ હાથ ધરી છે.

