Bhuj News: ભુજ તાલુકાના ઢોરી ગામમાં પ્રેમસંબંધના કરુણ અંજામ રૂપે એક યુવતીની નિર્દયતાપૂર્વક હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોતાના બીજે લગ્ન થવાના હોવાથી પ્રેમિકાએ "આ આપણી છેલ્લી મુલાકાત છે" તેમ કહેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ પથ્થરના ઘા ઝીંકી તેનું માથું છૂંદી નાખી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતદેહ મોઢું છૂંદાયેલી હાલતમાં મળી આવ્યો હતો
ઢોરી ગામની 26 વર્ષીય ઝરીના દાઉદ કુંભારનો મૃતદેહ આજે બપોરે પથ્થર વડે માથું અને મોઢું છૂંદાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આઘાતજનક ઘટનાની જાણ મૃતકના પરિવાર દ્વારા માધાપર પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઝરીના તેના પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ પોતાના માવતરે રહેતી હતી અને પરિવાર તેના બીજા લગ્ન ગોઠવી રહ્યો હતો.
લગ્ન નક્કી થયા હોવાની વાત કરતા પ્રેમીએ હત્યા કરી
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, ઝરીનાના ગામમાં જ રહેતા હરેશ કાનજીભાઈ ગાગલ સાથે તેને લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. આજે બપોરે હરેશે ઝરીનાને દૂધની ડેરીની ઓરડીમાં મળવા બોલાવી હતી. આ મુલાકાત દરમિયાન ઝરીનાએ પોતાના બીજા લગ્ન નક્કી થયા હોવાની વાત કરતા હરેશ ક્રોધિત થયો હતો.
ઉશ્કેરાયેલા હરેશે ઝરીનાને પથ્થર વડે માથા અને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. બપોરના સમયે ઝરીનાના ભાઈએ તેનો મૃતદેહ જોઈને પોલીસને જાણ કરતા માધાપર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી હરેશ ગાગલને ઝડપી પાડી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતક સાથે દુષ્કર્મ થયો છે કે નહીં તેની તપાસ શરૂ
ભુજના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) એમ.જે. ક્રિશ્ચિયનના જણાવ્યા અનુસાર, હત્યાના આ બનાવમાં હાલ મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયો છે કે કેમ તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકતો પ્રકાશમાં આવશે.
મૃતકના છૂટાછેડા થયા હતા અને પરિવાર બીજા લગ્ન કરાવવાનો હતો
મૃતક ઝરીના અગાઉ પરણિત હતી પરંતુ તેના પ્રથમ લગ્નથી તેને સંતાન નહોતું. પતિ સાથે મનમેળ ન થતાં તેઓના છૂટાછેડા થયા હતા અને પરિવાર તેના બીજા લગ્ન કરાવવા માટે પ્રયત્નશીલ હતો. બીજી તરફ, આરોપી હરેશ ગાગલ અપરણિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે જરૂરી પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે.

