Jignesh Mevani Remark: કોંગ્રેસ દ્વારા 21 નવેમ્બરથી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા વાવ-થરાદ જિલ્લામાંથી પસાર થઇ રહી હતી એ સમયે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડ્રગ્સ અને દારુના વેચાણ અંગે રજૂઆત કરતી સમયે આક્રોશ સાથે કહ્યું હતું કે, હું બીજીવાર આવું ત્યારે અહીં બધુ ચોખ્ખુ નહીં હોય તો પોલીસ અધિકારી સસ્પેન્ડ થશે. મારા માણસો સામે આંખની ભ્રમણ ઉંચી કરીને પણ પોલીસકર્મી જોશે તો હું છું અને તમે છો. જીગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારના નિવેદન કરવામાં આવ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેની ટીકા કરી હતી. હવે પોલીસ પરિવાર દ્વારા જીગ્નેશ મેવાણી સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને જીગ્નેશ મેવાણીના રાજીનામાના માગ કરવામાં આવી છે.
જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
ભુજ પોલીસ પરિવાર દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીગ્નેશ મેવાણી રાજીનામું આપે, પોલીસનું મોરલ ઉંચુ રહે, ગુજરાત પોલીસ જીંદાબાદ, પોલીસની નોકરી સંવિધાનથી મળી છે કોઇની ખેરાત નથી. જીગ્નેશ મેવાણી હાય હાયના બનેરો સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી યોજી કલેન્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પોલીસકર્મીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ
કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે કે, થોડા દિવસો પહેલા વડગામ વિસ્તારના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જનતાની રજૂઆત કરતી વખતે જાહેરમાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. એક જનપ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ તેમણે પોલીસ માટે કર્યો હતો. અગાઉ પણ તેઓએ અવારનવાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને 'પોલીસના પટ્ટા-ટોપી ઉતારી નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે' તેવી ધમકીઓ જાહેરમાં આપી, તેમનું અપમાન કરી મનોબળ તોડવાનું કૃત્ય કર્યું છે.

અવારનવાર પોલીસનું અપમાન કરવામાં આવે છે
એક ધારાસભ્ય તરીકે તેમનું કામ પ્રજાની સેવા તથા તેમના મતવિસ્તારના લોકોના કામ કરવા તેમજ તેમના પ્રશ્નો હલ કરવાનું હોય છે. પરંતુ વડગામ વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જઈ પોતાની વાહવાહી કરાવવા માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સોફ્ટ ટાર્ગેટ કરીને અવારનવાર તેમનું અપમાન કરવામાં આવે છે. તેઓ પોતે આ પ્રકારની પોલીસ પ્રત્યેની પોતાની માનસિકતા સુધારે તે અત્યંત જરૂરી છે.
જાહેરમાં પોલીસની માફી માંગે અને રાજીનામું આપે
આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત પોલીસ દિવસ-રાત પ્રજાના જાનમાલની રક્ષા માટે ખડે પગે ફરજ બજાવે છે, પોતાના અંગત પ્રસંગો અને તહેવારો ત્યજી દે છે, અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ જીવના જોખમે સેવા આપી છે, જેમાં ઘણા પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા છે. આવા સંજોગોમાં એક જનપ્રતિનિધિ તરીકે મેવાણીનું આ પ્રકારનું વર્તન નિંદનીય છે. કચ્છ પોલીસ પરિવારે મેવાણીને જાહેરમાં પોલીસની માફી માંગવા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે, ભારપૂર્વક જણાવ્યું છે કે પોલીસની નોકરી કોઈની ખૈરાત નથી પરંતુ તેમની કાબેલિયત અને સંવિધાનથી મળેલો અધિકાર છે.

