Botad Farmers Protest Stone Pelting: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ હડદડ ગામના પીડિત પરિવારો સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે ખેડૂતોના મુદ્દે પોલીસની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા અને પીડિતોને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પોતાનો પગાર હડદડ ગામના ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઉભી છેઃ કેજરીવાલ
કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે. જે તદ્દન ખોટું છે. ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યાં છે. ખેડૂતોની આ લડતમાં આમ આદમી પાર્ટી તેમની સાથે ઉભી છે. ખેડૂતો સામે થયેલી કાર્યવાહી અંગે બોલતા, કેજરીવાલે લાઠીચાર્જ, ટીયર ગેસનો ઉપયોગ અને ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરવાને બર્બરતાપૂર્વક ગણાવ્યા હતા અને તેને તદ્દન ખોટું કહીને વખોડી કાઢ્યું હતું.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હડદડ ગામના પીડિત પરિવારો સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે પીડિત પરિવારોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે.
આ પણ વાંચો
દિલ્હીથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવતા, કેજરીવાલે ખાતરી આપી હતી કે, હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં. તેમણે ખેડૂતોને કાયદાકીય સહાય પૂરી પાડવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે, અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું, તેમ કેજરીવાલે ઉમેર્યું હતું.
ધારાસભ્ય ઇટાલિયા હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે
આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે તેઓ હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે પોલીસે ગામમાં તોડફોડ કરી અને ઘણા ઘરોને નુકસાન પહોંચાડ્યું છે. આથી, તહેવારના સમયે ખેડૂતોને મદદરૂપ થવા માટે તેમણે આ પગાર આપવાનું નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલીયાએ વધુમાં ઉમેર્યું કે તેઓ ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ખેડૂતોને સહાય કરવા માંગે છે. ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાના નાતે, ખેડૂતો પ્રત્યે સંવેદના, જવાબદારી અને ફરજ હોવાનું તેમણે જણાવ્યું હતું.

