Dahod News: દાહોદ શહેરમાં મહિલા ચોર ગેંગનો ત્રાસ વધ્યો છે. સતત બીજા દિવસે પણ ભિખારીના વેશમાં ચોરી કરતી આ ટોળકી ફરી સક્રિય બની છે. છેલ્લા બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ જગ્યાએ ચોરીની ઘટનાઓ બની હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું માહોલ સર્જાયું છે.
ગુજરાતના બીજા નંબરના મોટા અનાજ માર્કેટ તરીકે ઓળખાતા દાહોદ અનાજ માર્કેટમાં તાજેતરમાં સનસનાટીભરી ચોરીની ઘટના બની હતી. માહિતી મુજબ, 7થી 8 જેટલી મહિલાઓ ભિખારીના વેશમાં ફિલ્મી અંદાજમાં એક વેપારીની દુકાનમાં પ્રવેશી હતી. મહિલાઓએ દુકાનમાં હાજર કર્મચારીઓને વાતોમાં ભોળવીને વ્યસ્ત રાખ્યા હતા, ત્યારે તેમની સાથે આવેલી અંદાજિત 15 વર્ષની સગીરાએ ચાતુર્યપૂર્વક કાઉન્ટરના ડ્રોઅરમાંથી લગભગ રૂ. 5 લાખની રોકડ રકમ ઉઠાવી લીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આખી ટોળકી રકમ સાથે ફરાર થઈ ગઈ હતી.
આજે પણ શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલી ‘મીરા એન્ટરપ્રાઇઝ’માં આવી જ રીતે ચોરીની ઘટના બની છે, જેમાં મહિલાઓએ આશરે રૂ. 20 હજારની ચિલ ઝડપ કરી ફરાર થઈ ગઈ હતી. સતત બનતી આવી ઘટનાઓ બાદ વેપારીઓમાં રોષ ફેલાયો છે અને દાહોદ પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.
દાહોદ ટાઉન એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકેશ કુમાર ખંડેલવાલ નામના વેપારીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ સવારે દુકાન ખોલીને હરાજી કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે ભિખારીના વેશમાં આવેલી મહિલાઓએ યોજનાબદ્ધ રીતે આ કૃત્ય અંજામ આપ્યું હતું. વેપારીઓએ પોલીસ પાસે તાત્કાલિક પગલાં લઈ આ મહિલા ગેંગને ઝડપવાની માંગ કરી છે. શહેરમાં સતત બનતી આ પ્રકારની ચોરીની ઘટનાઓએ દાહોદની બજારમાં સુરક્ષા વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી દીધી છે.

