Dahod News: દાહોદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ — ગામ સ્તરે આરોગ્ય સેવાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો, લોકોમાં આરોગ્ય જાગૃતિ લાવવાનો અને આરોગ્ય વિભાગ પ્રત્યે વિશ્વાસ પેદા કરવાનો છે.
આરોગ્ય કિરણ હેઠળ આપવામાં આવતી મુખ્ય સેવાઓ : સગર્ભા મહિલાની તપાસ,આભા કાર્ડ નોંધણી,પી.એમ.જે. એ.વાય. કાર્ડ સેવા,જનરલ આરોગ્ય તપાસ,એન.સી.ડી. તપાસ (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે),સીકલ સેલ તપાસ,ટી.બી. તપાસ,લેબોરેટરી તપાસ,મેલેરિયા તપાસ,રસીકરણ સેવા
આરોગ્ય કીરણ હેઠળ આવરી લેવાયેલા રોગો: ડાયાબિટીસ, હાયપરટેન્શન, મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર,ટી.બી., સીકલ સેલ, પાંડુરોગ (એનીમિયા) અને કેલ્શિયમની ઉણપ વગેરે.
દાહોદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર મંગળવાર અને શુક્રવારે ગામે ગામ આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામમાં આરોગ્યની સેવાઓ સુનિશ્ચિત થશે અને ગ્રામજનોને તેમના ગામે જ આરોગ્ય સેવાઓનો લાભ પ્રાપ્ત થશે. આવનાર ડિસેમ્બર મહિનાથી દરેક સ્કૂલમાં વિવિધ આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.
અભલોડ પીએચસી ખાતે ટીબીની સ્ક્રીનિંગ: 131 દર્દીઓની તપાસ
ગરબાડા તાલુકાના અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત સાથે 131 શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો – જેમ કે મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પિરામલ ફાઉન્ડેશન ના કોમ્યુનિટી કોર્ડીનેટર,પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHOs), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો (MPHWs), ફિમેલ હેલ્થ વર્કરો (FHWs), આશા ફેસિલિટેટરો અને આશા બહેનો – નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો. આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના ડિટેક્શન અને નાબૂદી તરફ સકારાત્મક પગલા ભરાઈ રહ્યા છે.

