Gandhinagar News:રાજ્યના ખેડૂતો પાસેથી 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર,બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે

હવે તેમણે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 22 Nov 2025 11:02 PM (IST)Updated: Sat 22 Nov 2025 11:02 PM (IST)
direct-purchase-of-paddy-millet-sorghum-maize-ragi-from-state-farmers-at-support-price-will-be-started-from-november-24-642850

Gandhinagar News:સોમવાર તા. 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને રૂપિયા 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ તાજેતરમાં વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા આપેલું છે.

હવે તેમણે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું કે, ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, સોમવાર 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ ખરીદી અન્વયે બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરીના 3075, જુવાર (હાઇબ્રીડ)ના 3999, જુવાર (માલદંડી)ના 4049, મકાઈના 2400 અને રાગી માટે 5186 ભાવ રહશે.