Gujarat Government Announcement: રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. સરકારે વર્ગ-3 અને વર્ગ-4ની સીધી ભરતીથી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળતા 'ચાર્જ એલાઉન્સ' (વધારાના હવાલાનું મહેનતાણું)ની ગણતરી પદ્ધતિમાં સુધારો કર્યો છે. હવે આ ભથ્થું જૂના પગારને બદલે 'પ્રવર્તમાન ફિક્સ પગાર'ના(હાલના પગાર) આધારે ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ વધશે. સરકાર દ્વારા આ ચાર્જ એલાઉન્સ 5થી 10 ટકા પ્રમાણે ચૂકવવામાં આવશે.
ચાર્જ એલાઉન્સમાં સુધારો વિચારણા હેઠળ હતો
હાલમાં, રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓને અગાઉની જોગવાઈઓ મુજબ ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવે છે. આ ચાર્જ એલાઉન્સની ગણતરી 20 ઓક્ટોબર, 2015ના ઠરાવથી નક્કી થયેલા ફિક્સ પગાર મુજબ થાય છે. જોકે, 2015 બાદ ફિક્સ પગારમાં સુધારો કરવામાં આવ્યો છે, છતાં ચાર્જ એલાઉન્સ હજુ પણ જૂના એટલે કે 2015ના ફિક્સ પગારના આધારે જ ગણવામાં આવતું હતું. આથી, ફીકસ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફીકસ પગારના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને સોપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
હવે પાંચ ટકા અથવા દસ ટકા વધારાનું મહેનતાણું મળશે
કર્મચારીઓના હિતમાં અને તેમની કાર્યક્ષમતા જળવાઈ રહે તે હેતુથી સરકારે લાંબી વિચારણા બાદ મહત્વનો નિર્ણય લીધો છે. ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ સંબંધિત અગાઉના તમામ ઠરાવો/પરિપત્રોથી નિયત થયેલી જોગવાઈઓ રદ કરીને તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
નાણા વિભાગના 16 ફેબ્રુઆરી, 2006ના ઠરાવ હેઠળની ફિક્સ પગાર નીતિ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4ની સીધી ભરતીની જગ્યાઓ પર નિયુક્ત થયેલા ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે, તો તેમને તેમના પ્રવર્તમાન ફિક્સ પગારના પાંચ ટકા અથવા દસ ટકા વધારાનું મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) મળશે. આ પરિપત્રનો અમલ તેની પ્રસિદ્ધિની તારીખથી કરવાનો રહેશે.

