ગાંધીનગર મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી, 14 વિદ્યાર્થી રસ્ટિકેટ કરાયા

અપમાનિત થયેલા પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ આ અંગે મેડિકલ કોલેજમાં લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે ઘટનાની ગંભીરતાને જોતા કોલેજ સત્તાધીશો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 23 Nov 2025 11:34 AM (IST)Updated: Sun 23 Nov 2025 11:34 AM (IST)
raging-incident-comes-to-light-in-gandhinagar-medical-college-14-students-rusticated-642986

Gandhinagar Medical College: ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગની ઘટનાને પગલે 14 જેટલા વિદ્યાર્થીઓને 6 મહિનાથી લઈને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ કોલેજ દ્વારા તપાસ ચલાવીને જવાબદાર જણાયેલા 14 જેટલા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લીધા છે. તેઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેઓને હાલ હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. જોકે, કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરી નથી.

જુનિયર પર રેગિંગ કરવામાં આવ્યું

ગાંધીનગર સહિત રાજયભરની મેડિકલ કોલેજોમાં અનેક પગલાં અને જાગૃતિ માટે પ્રયત્નો કરવા છતાં રેગિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે ગાંધીનગર મેડીકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની કલંકરૂપ ઘટના સામે આવી છે. મેડિકલ કોલેજના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા બાદ અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઠઠા મશ્કરી કરી હતી. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને પરાણે તેઓ પાસે ઇન્ટ્રો કરીને હસી-મજાક કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરાયા

અપમાનિત થયેલા પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ આ અંગે મેડિકલ કોલેજમાં લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે ઘટનાની ગંભીરતાને જોતા કોલેજ સત્તાધીશો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પૂછપરછ સહિતની તપાસના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓના ભાવિ બગડે નહીં તેને ધ્યાને રાખીને તેઓને કોલેજમાંથી ન કાઢતા માત્ર હોસ્ટેલમાંથી છ માસથી બે વર્ષ માટે રસ્ટિકેટ કરી દેવાયા છે. સમગ્ર બાબતે જવાબદાર 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને આ અંગે જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ મેડિકલના છાત્રના મોતની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. જે બાદ ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત રાજયભરની મેડિકલ કોલેજમાં કડક સૂચના આપવાથી લઈને જાગૃતિ કાર્યક્રમો કરાયા હતા. જોકે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા આ બધી બાબતોને નજરઅંદાજ કરી દેવાય છે. ગાંધીનગર મેડીકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીની સિનિયરોએ મારમારીને ઉઠક-બેઠક કરાવી હતી. સમગ્ર ઘટનામાં કોલેજ તંત્ર દ્વારા દાખલારૂપ પગલાં લેવાને બદલે માફી પત્ર લખાવીને મામલો સમેટી લીધો હતો. સમગ્ર ઘટનામાં દાહોદ વિસ્તારના એક જૂનિયર છાત્ર સાથે સૌરાષ્ટ્ર તરફના સિનિયર દ્વારા રેગિંગ કર્યું હતું. જેમાં સિનિયર દ્વારા જુનિયરને પટ્ટા વડે માર માર્યો હતો. જે બાદ જુનિયર વિદ્યાર્થીને ઉઠક-બેઠક પણ કરાવી હતી. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજનું નામ ખરાબ થવાની ડર કે અન્ય કોઈ દબાણમાં સમગ્ર મામલે ભીનું સંકેલી લેવાયું હોવાનું કહેવાય છે.