દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમા કાર્યક્રમનું સ્થળ બદલ્યું

પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.  વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 23 Nov 2025 10:23 AM (IST)Updated: Sun 23 Nov 2025 10:23 AM (IST)
cm-bhupendra-patel-changed-venue-of-program-in-jamnagar-so-that-his-daughters-wedding-could-take-place-at-pre-determined-time-and-place-642951

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.

સીએમનો કાર્યક્રમ હોવાથી અડચણ થતી હતી

તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારના આંગણે રૂડો અવસર હતો. હરખ મા'તો નહોતો, તમામ વિધિ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તારીખ 24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવવાના છે. જેમાં જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.  જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભા થવાની શક્યતા ઉભી થઈ. પરિણામે, પરમાર પરિવારની ચિંતામાં વધારો થયો હતો.

મુખ્યમંત્રી સમક્ષ વાત રજુ કરી

પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.  વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી. વાત સાંભળી મુખ્યમંત્રીએ કહ્યું કે, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલી નાખો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે. ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલી નાખવામાં આવ્યું હતું.

સીએમએ કાર્યક્રમનું સ્થળ બદલ્યું

આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહ્યું કે, મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી વાતચીત કરી અને હૈયાધારણ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા, ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું."

પરિવારે આભાર વ્યક્ત કર્યો

બ્રિજેશ પરમારે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે,  "લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું તેમજ મહેમાનોને જાણ કરવી. નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રી સાહેબનો, જેમણે  અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા."