Jamnagar: જામનગર શહેરમાં રહેતી એક યુવતીએ જાણીતા ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉદ્યોગપતિએ મહિલાને કેફી પીણું પીવડાવી બેભાન કર્યાં બાદ હવસનો શિકાર બનાવ્યા બાદ અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરીને સતત 2 વર્ષ સુધી શારીરીક શોષણ કર્યું હતુ.
આ મામલે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ સિક્કા પોલીસ મથકમાં જામનગરમાં રહેતા અને ઑઈલ મિલ ધરાવતા વિશાલ નામના ઉદ્યોગપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યા પ્રમાણે, આરોપી વિશાલને લોનની જરૂરિયાત હોવાથી તેણે ભોગ બનનારનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થતાં આરોપીએ પીડિતા સાથે પરિચય કેળવીને વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ યુવતીને પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવાની વાત કરી પ્રોપર્ટી જેવા માટે એક વિલામાં લઈ ગયો હતો.
જ્યાં લોન બાબતની વાતચીત દરમિયાન આરોપીએ યુવતીને કોલ્ડ્રિંક્સ પીવા આપ્યું હતુ. જે પીધા પછી ભોગ બનનાર યુવતી બેભાન થઈ ગઈ હતી. જે બાદ આરોપીએ મહિલાની એકલતાનો લાભ લઈને ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહીં, આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.
આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું અને તેને વારંવાર પોતાની ઓફિસ પાસે બોલાવી હવસનો શિકાર બનાવતો હતો.
યુવતીની ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને જામનગર શહેર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા એક પૂર્વ પોલીસ કર્મચારી સહિતના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ મુખ્ય આરોપી વિશાલના મિત્રો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
બીજી તરફ ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે, આરોપી વિશાલ ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીટોકના ગુનામાં જેલમાં પણ રહી ચૂક્યો છે.
આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી નહતી.

