Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. જેમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપતી વચ્ચેના ઝઘડા બાદ પતિએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધા બાદ ડઘાઈ ગયેલી પત્ની એકાએક લાપતા બની ગઈ હતી, અને તેણીએ પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા ખેડૂત લગધીરસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના વતની એવા પર પ્રાંતિય શ્રમિક પરિવારના રાહલીબેન ગોરધનભાઈ વસુનીયા (ઉંમર વર્ષ 19) અને તેના પતિ ગોરધનભાઈ વશુનીયા (ઉંમર વર્ષ 22), છેલ્લા કેટલાક સમયથી વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે.
ગત 30.10. 2025ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં શ્રમિક મહિલા રાહલીબેન અને તેના પતિ ગોરધનભાઈ જે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી , જેથી ગોરધનભાઈ ને મનમાં લાગી આવતાં તેણે મગફળીના ગોડાઉનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બાબતની જાણ થતાં રાહાલીબેને ગોરધનભાઈ ને નીચે ઉતાર્યા હતા, પરંતુ પોતાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી પોતે ગભરાઈ ગઈ હતી અને એકાએક ગાયબ થઈ ગઈ હતી. જે બનાવ બાદ રાહલીબેનના ભાઈએ પોલીસને જાણ કરી હતી. આ મામલે ધ્રોલ પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટુકડી રાહલીબેનને શોધી રહી હતી.
આ દરમિયાન વાડીના કૂવામાં તેણીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. તેણીએ પણ આઘાત લાગ્યો હોવાથી વાડીના કૂવામાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવ મામલે રાહલીબેનના ભાઈ ચીરલીયાભાઈ બામણીયા કે જેઓ ધ્રોલમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી ગામ કરે છે, તેઓ રોજિયા ગામે દોડી આવ્યા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરતાં આ બનાવ મામલે પી.એસ.આઇ. એચ.વી. રાઠોડ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા.

