જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને કરાઈ સસ્પેન્ડ અને ફટકાર્યો દંડ, PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે એક્શન

જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “PMJAY-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 13 Nov 2025 02:34 PM (IST)Updated: Thu 13 Nov 2025 02:34 PM (IST)
jamnagars-jcc-heart-institute-suspended-and-fined-action-taken-against-hospital-for-committing-irregularities-under-pmjay-maa-scheme-637338
HIGHLIGHTS
  • આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
  • માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી.

Jamnagar News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “PMJAY-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂપિયા 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. PMJAY-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય ના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂપિયા 50-50 હજારનો દંડ કરવામાં આવેલ છે.