Junagadh News: ગિરનાર પર્વતના પગથિયાં સિવાયના દુર્ગમ અને ખડકાળ વિસ્તારોમાં ચઢીને જોખમી સ્ટંટ કરવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના શોખમાં પાંચ યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. વીડિયો વાયરલ થતાં જ વનવિભાગ હરકતમાં આવ્યું હતું અને આ પાંચેય યુવકોને શોધી કાઢીને રૂપિયા 2,000 લેખે કુલ રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે.
દુર્ગમ સ્થળે જોખમી ચઢાણ
આ ઘટના શનિવારે બની હતી. મહુવા અને રાજકોટના આ યુવકોએ ગિરનાર પર્વતના પગથિયાંથી દૂર આવેલા ખડકો અને જોખમી પથ્થરો પર ચઢાણ કર્યું હતું. પર્વતારોહણ માટે આ વિસ્તાર અત્યંત જોખમી છે, છતાં રીલ્સ બનાવવાની ઘેલછામાં આ યુવકોએ જીવના જોખમે આ કૃત્ય કર્યું હતું. આ યુવકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો. થોડા સમય પહેલાં થયેલા વરસાદને કારણે પથ્થરો પર શેવાળના કારણે લપસણું હોવા છતાં તેમણે ગિરનાર ચઢવાનું જોખમ લીધું હતું.
વનવિભાગની કાર્યવાહી
વીડિયો વાયરલ થતાં જ વનવિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. રીલ્સના આધારે તપાસ કરીને વનવિભાગે પહેલા રાજકોટના બે યુવકોને શોધી કાઢ્યા હતા, જેઓ શિવમ શિયાળ અને પરમ સોલંકી તરીકે ઓળખાયા હતા. ત્યારબાદ મહુવાના અન્ય ત્રણ યુવકોને પણ શોધી કાઢવામાં આવ્યા હતા. આ યુવકો સામે ગિરનાર અભ્યારણ્યમાં પગથિયાં સિવાયના વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

