Gir Somnath News: ગુજરાતમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા એક સરાહનીય અને નવતર પહેલ કરવામાં આવી છે. તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરીને સમાજને સકારાત્મક સંદેશ આપ્યો છે.
10 દીકરીઓને 100 ગ્રામ ચાંદીની ભેટ
ધારાસભ્ય ભગવાનભાઈના જન્મદિવસ નિમિત્તે, તાલાલા તાલુકામાં 1 નવેમ્બર, 2025ના રોજ જન્મેલી કુલ 10 દીકરીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓના જન્મનું વધામણું કરવા માટે, તેમણે દરેક દીકરીને 100 ગ્રામ ચાંદી અને જરૂરી ચીજવસ્તુઓની કીટ ભેટ આપી હતી. આ ભેટ આપીને તેમણે દીકરીઓના જન્મનું ગૌરવ વધાર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈએ કોડીનારના તાલુકાની માવતર ડિલિવરી કરવા ગયેલી માતાઓ સાથે મુલાકાત કરી હતી. દીકરીનો જન્મ થતાં ધારાસભ્ય બારડ, કોડીનાર નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી સાથે દીકરીના દર્શન કરવા ગયા હતા અને તમામ પરિવારોને શુભેચ્છા પાઠવી હતી.
સમાજને જાગૃત કરવાનો હેતુ
આ પહેલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં દીકરીના જન્મ અંગે જે નકારાત્મક માનસિકતા છે, તેને બદલીને સકારાત્મકતા લાવવી. ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે દીકરીઓ કુટુંબ માટે આશીર્વાદરૂપ છે અને તેમના જન્મનું ખુલ્લા દિલથી સ્વાગત થવું જોઈએ. આ કાર્યક્રમ દ્વારા તેમણે 'બેટી બચાવો' અભિયાનને એક મોટું યોગદાન આપ્યું છે.
તેમણે તમામ દીકરીઓના માતા-પિતાને આ દીકરીઓનું સારી રીતે ભણતર કરાવવા અને તેમને જીવનમાં આગળ વધારવા માટે પણ વિનંતી કરી હતી. આ પહેલથી અન્ય નેતાઓ અને સમાજસેવકોને પણ દીકરીઓના જન્મની ઉજવણી કરવા અને તેમને ટેકો આપવા માટે પ્રેરણા મળશે. આ પ્રકારની પહેલો સમાજમાં દીકરીના મહત્ત્વને સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે.

