Holy Family School: કડીમાં આવેલ હોલી ફેમિલી સ્કૂલના ધોરણ-6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
બનાવનું કારણ
વિદ્યાર્થીએ આ પગલું શિક્ષકના કડક વ્યવહાર અને માનસિક તણાવને કારણે ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. ગુરુવારે પરીક્ષા હોવાથી વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન શિક્ષકે હળકડી મારીને ક્લાસરૂમની બહાર કાઢી મૂક્યો હતો. શિક્ષકે ઠપકો આપતાં કહ્યું હતું કે, "આ તારા બાપનો બગીચો નથી, હળકડી મારીને ક્લાસરૂમની બહાર બેસાડી દીધો". આ ઠપકા અને અપમાનથી દુઃખી થઈને વિદ્યાર્થી પાંચમા માળે ગયો હતો, પરંતુ ત્યાં શિક્ષકોએ બેસવા દીધો ન હતો. ત્યારબાદ તે નીચે ઉતરીને બીજા માળેથી બહાર કૂદી ગયો હતો.
વાલીઓનો આરોપ
વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષક અને આચાર્ય પર ગંભીર આરોપો લગાવીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રને શિક્ષકે માનસિક ત્રાસ આપ્યો હતો અને એક્સ્ટ્રા ક્લાસ ન ભરવા બદલ કેવા પગલાં ભરવા તે અંગે સજા કરવાના હતા. બાળકના વાલીઓએ કડી પોલીસ સ્ટેશનમાં શાળાના શિક્ષક, આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપો લગાવીને ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી વિદ્યાર્થીને આપઘાત કરવા મજબૂર કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

