Morbi News: મોરબીમાં આગામી 09 નવેમ્બર સુધી દાદા ભગવાનની 118મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 03 નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું.
આત્મજ્ઞાની દીપકભાઈએ આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, (એઆઈ) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો આ સત્સંગમાં કરી હતી.
આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, દાદાભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

