Morbi News: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા મોરબીના યુવક સાહિલના મામલે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો આદેશ જારી કર્યો છે. સાહિલની માતા હસીના શમસુદ્દીનભાઈ માજોઠીએ પોતાના પુત્રને સુરક્ષિત પરત લાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તાત્કાલિક એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જે યુક્રેન જઈને સાહિલની વર્તમાન પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ વિગતો મેળવશે.
'ઇન્ટરનેટ વીડિયોથી દીકરો ફસાયો હોવાની જાણ થઈ'
સાહિલની માતા હસીનાબેને મીડિયાને રડતી આંખે જણાવ્યું હતું કે, અમને અમારો દીકરો સાહિલ યુક્રેનમાં છે તેની જાણ ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા થઈ હતી, જે યુક્રેનિયન પક્ષ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોયા બાદ પરિવારે દિલ્હી સ્થિત એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ દીપા જોસેફે, જેઓ આ કેસમાં સાહિલના પરિવારને નિઃશુલ્ક કાયદાકીય મદદ કરી રહ્યા છે, તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોર્ટે એમ્બેસીને શું આદેશ આપ્યો?
હસીનાબેને જણાવ્યું કે, ગઇકાલે કોર્ટમાં સુનાવણી હતી. જજ સાહેબે આદેશ આપ્યો છે કે ભારતીય એમ્બેસી તરફથી એક અધિકારીને યુક્રેન મોકલવામાં આવે. આ અધિકારી ત્યાં જઈને સાહિલની તમામ વિગતો મેળવશે, જેમ કે - તે યુક્રેન કેવી રીતે પહોંચ્યો? તેને આર્મીમાં કોણ લઈ ગયું? તે બોર્ડર સુધી કેવી રીતે પહોંચ્યો? અને હાલ તેની તબિયત કેવી છે?. કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે આ અધિકારી સાહિલની તેની માતા સાથે વાતચીત કરાવવાનો પણ પ્રયાસ કરે.
3 ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરાશે
હાઈકોર્ટે આ સમગ્ર મામલે તપાસ કરી, તેનો લેખિત અહેવાલ ૩ ડિસેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ૩ ડિસેમ્બરે આ રિપોર્ટ જમા થયા બાદ કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. સાહિલનો પરિવાર હવે ન્યાયતંત્ર અને સરકારના હસ્તક્ષેપથી પોતાના દીકરાની સુરક્ષિત વતન વાપસીની આશા સેવી રહ્યો છે.

