Morbi Bridge Collapse Case: મોરબીની ઐતિહાસિક ઓળખ સમાન ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનાને આજે, 30 ઓક્ટોબર 2025ના રોજ, પૂરા ત્રણ વર્ષ વીતી ગયા છે. વર્ષ 2022માં દિવાળીના તહેવાર ટાણે સર્જાયેલી આ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની ગયા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક મોરબી દોડી આવી પીડિતોને આશ્વાસન આપ્યું હતું, તેમજ SITની રચના અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાતો થઈ હતી. જોકે, આ બધી વાતો માત્ર કાગળ પર જ રહી હોય તેમ લાગે છે, કારણ કે ત્રણ વર્ષ વીતવા છતાં આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જ પણ ફ્રેમ થઈ શક્યો નથી.
આ ઘટનામાં અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલ સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા IPCની કલમ 304 (ગેરઇરાદે મનુષ્યવધ) હેઠળ કેસ દાખલ કરાયો હતો અને SITની તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે.
આજે, દુર્ઘટનાની ત્રીજી વરસીના દિવસે જ મોરબીની કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થવાનો હતો. જોકે, આરોપીઓએ અગાઉ કરેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દેતાં તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખ્યો હતો. સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું કે, હાલના તબક્કે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી સામે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઝૂલતો પુલ દુર્ઘટનાનો કેસ હાલમાં કાયદાકીય ગૂંચવણમાં અટવાઈ ગયો છે. આ વિલંબ પીડિત પરિવારોની ન્યાયની પ્રતીક્ષાને વધુ લાંબી કરી રહ્યો છે.
આ પણ વાંચો
વિક્ટિમ એસોસિએશનની કાનૂની લડત: IPC 302ની માંગ
પીડિતોને વતી કાનૂની લડત લડી રહેલા વિક્ટિમ એસોસિએશને આ કેસમાં કડક પગલાં લેવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એસોસિએશનના એડવોકેટ દિલીપ અગેચણીયાએ જણાવ્યું કે તેઓ તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 304ને બદલે વધારે ગંભીર કલમ 302 (ખૂન) મુજબ કેસ ચલાવવા માટે હાઈકોર્ટમાં લડત આપી રહ્યા છે. આ ઉપરાંત, વિક્ટિમ એસોસિએશનના અગ્રણી નરેન્દ્ર પરમારે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકોને 2-2 કરોડની સહાય અને સમગ્ર કેસની તપાસ CBIને સોંપવાની માંગ સાથેની અરજીઓ પેન્ડિંગ છે.
સહાય અને જીવનનિર્વાહની વાત
મૃતકોના પરિજનોને સરકારે 10-10 લાખ અને ઓરેવા કંપની દ્વારા 5-5 લાખની સહાય ચૂકવવામાં આવી છે. બાકીની 5.5 લાખની સહાયની ફિક્સ ડિપોઝિટ કોર્ટના નામે કરાઈ છે, જે 2028માં ચૂકવાશે. જોકે, ન્યાયની લડત વચ્ચે પણ માનવતાનો એક અંશ જોવા મળ્યો છે. આ દુર્ઘટનામાં 23 બાળકો અનાથ બન્યા, 28 વૃદ્ધોએ સહારો ગુમાવ્યો અને 10 બહેનો વિધવા બની. હાઈકોર્ટના આદેશ બાદ, અજંતા ઓરેવા કંપની દ્વારા આ 61 નિરાધાર લોકોને જીવનનિર્વાહ માટે આજીવન દર મહિને 12,000 રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે.
જોકે, આર્થિક સહાય એક રાહત છે, પરંતુ પીડિત પરિવારોની મૂળભૂત માંગણી છે કે 135 નિર્દોષોના મૃત્યુ માટે જવાબદાર લોકોને કડક સજા થાય. નરેન્દ્ર પરમારના મતે, આટલી ગંભીર દુર્ઘટના છતાં કેસ નક્કર સ્ટેજ પર ન પહોંચવો એ ચિંતાજનક છે. અલગ અલગ અદાલતમાં કેસ પેન્ડિંગ હોવાથી તેમને અને અન્ય પીડિતોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે અમને ક્યારે ન્યાય મળશે?

