Navsari News: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને સહાયરૂપ થવા કટિબદ્ધ છે. નવસારી જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનની અસરકારક તપાસ માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કુલ 6 તાલુકા અંતર્ગત 384 ગામોમાં સર્વે કાર્ય હાથ ધરાયું છે. હાલ જિલ્લામાં ડાંગર તથા અન્ય મુખ્ય પાકોનો વાવેતર વિસ્તાર 51,366 હેક્ટર જેટલો છે, જેમાંથી પ્રાથમિક અંદાજ મુજબ 36,919 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત જણાયો છે. તંત્ર દ્વારા સર્વે વિસ્તારમાં 21,223 હેક્ટરનું પ્રારંભિક મૂલ્યાંકન પૂર્ણ થયું છે. વધુમાં, 33% થી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર 13,831.69 હેક્ટર નોંધાયો છે, જેમાં 18,447 જેટલા ખેડૂતોના ખેતરમાં 33% થી વધુ નુકશાન નોંધાયેલ છે.
જિલ્લામાં સર્વે માટે 138 ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે અને 222 ગામોનું સર્વે કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીના ગામોનું સર્વે કાર્ય આગામી બે દિવસમાં પૂર્ણ થાય એવું સુનિશ્ચિત કરવામાં આવશે એમ જણાવાયું છે. ખેતીવાડી કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈપણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનીટરીંગ ચાલુ છે.

