Bilimora Firing Incident: નવસારી જિલ્લાના બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે સામ-સામે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ફાયરિંગમાં એક આરોપીના પગમાં ગોળી વાગી હતી. જે બાદ ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમને બાતમી મળી હતી કે, હથિયારોની આપ-લે કરવા માટે કેટલાક ઈસમો બીલીમોરાની હોટલમાં રોકાયા છે. આ બાતમીના આધારે SMCની ટીમે આરોપીઓને પકડવા માટે હોટલમાં છાપો માર્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેથી સ્વબચાવમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતુ.
આ દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. જે બાદ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ તો જે આરોપીને પગમાં ગોળી વાગી હતી, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં આ ઈસમો કુખ્યાત શાર્પશૂટર ગેંગ સાથે સંકળાયેલી હોવાનું માલૂમ પડ્યું છે. જેના આધારે પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં નવસારી જિલ્લાની અન્ય પોલીસની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી છે.

