Banaskantha: બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના જૂના એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે એક બસમાં મુસાફરે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે સમયસર પહોંચેલી પોલીસે યુવક ગળે ફાંસો ખાય તે પહેલા પકડી પાડ્યો હતો. હાલ યુવકને પોલીસ મથકે લઈ જવાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરથી એક યુવક દાહોદ-પાલનપુર રૂટની એસટી બસમાં બેઠો હતો. આ બસ પાલનપુર જૂના એસટી બસ સ્ટેન્ડ પહોંચી ત્યારે આ મુસાફરે પોતે પહેરેલી ટી-શર્ટ કાઢીને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા વળ્યા હતા.
આખરે એસ.ટી બસના કર્મચારીઓએ જાણ કરતાં પાલનપુર પૂર્વ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બસમાં આપઘાત કરવા જઈ રહેલા યુવકને પકડીને પોલીસ મથકે લઈ ગઈ હતી.
હજુ સુધી યુવકે ક્યાં કારણોસર આવું પગલું ભર્યું, તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે યુવકની પૂછપરછના અંતે તેના પરિવારનો સંપર્ક સાધ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક બીમાર હોવાનું લાગી રહ્યું છે. હાલ તો પોલીસે તેના પરિવારજનોની રાહ જોઈ રહી છે, તેમની પૂછપરછના અંતે સાચી જાણકારી સામે આવશે.

