Palanpur: પાલનપુરમાં ફૂડ વિભાગના દરોડા, ડીસાની બે પેઢીમાંથી રૂપિયા 8.98 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ અને મે. શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત આશરે રૂપિયા 8.98 લાખ થાય છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 11 Nov 2025 11:46 AM (IST)Updated: Tue 11 Nov 2025 11:46 AM (IST)
food-department-seizes-suspicious-ghee-worth-%e2%82%b98-98-lakh-from-two-deesa-firms-during-palanpur-raids-636043
HIGHLIGHTS
  • ફૂડ વિભાગની ટીમે કુલ 1,500 કિલોગ્રામથી વધુ ઘીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પ્રથમ કાર્યવાહી ડીસા GIDC ખાતે આવેલી તાસ્વી માર્કેટિંગમાં હાથ ધરાઈ હતી.

Palanpur News: પાલનપુર વર્તુળ કચેરી હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસા ખાતે બે ઘી ઉત્પાદક પેઢીઓ પર તવાઈ ઉતારી છે. મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ અને મે. શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત આશરે રૂપિયા 8.98 લાખ થાય છે. ફૂડ વિભાગની ટીમે કુલ 1,500 કિલોગ્રામથી વધુ ઘીનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તાસ્વી માર્કેટિંગમાં રૂપિયા 1.79 લાખનું ઘી જપ્ત

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પ્રથમ કાર્યવાહી ડીસા GIDC ખાતે આવેલી તાસ્વી માર્કેટિંગમાં હાથ ધરાઈ હતી. પેઢીના માલિક આશિષ પંચીવાલાનો સંપર્ક કરીને પેઢી ખોલાવાઈ ત્યારે સ્થળ પર માણસો દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગનું કાર્ય ચાલુ હોવાનું જણાયું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ઘીનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલાયો છે. આ સ્થળેથી 320 કિલોગ્રામ ઘીનો જથ્થો, જેની કિંમત રૂપિયા 1,79,200 થાય છે, તે જપ્ત કરાયો હતો.

શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાંથી રૂપિયા 7.19 લાખનું ઘી જપ્ત

બીજી કાર્યવાહી ડીસા, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ખાતે આવેલી શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ પર હાથ ધરવામાં આવી હતી. આ પેઢી પણ બંધ હાલતમાં હતી, પરંતુ તપાસ દરમિયાન ત્યાં પણ જુદા જુદા માણસો દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અહીંથી 'ભૂમિ સરસ ઘી'ના 500 મીલીના 176 પેક, 200 મીલીના 750 પેક તથા 945 કિલોગ્રામ લુઝ ઘી સહિત કુલ 1,183 કિલોગ્રામ ઘીનો જથ્થો, જેની કિંમત રૂપિયા 7,19,320 છે, તે જપ્ત કરાયો હતો.

અગાઉ પણ ગુણવત્તા ભંગના કેસ

ચિંતાજનક બાબત એ છે કે આ બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ (માપદંડથી હલકી ગુણવત્તા) ઘી અંગેના કેસો દાખલ થઈ ચૂક્યા છે. તેમ છતાં, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ આ પેઢીઓ દ્વારા ચાલુ રાખવામાં આવી હતી. હાલ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલીને કાયદેસરની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.