Banaskantha News: દેશની સુરક્ષા માટે કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના એક જવાનનું વતનમાં રજા પર પરત ફરતી વખતે ટ્રેનમાં કરૂણ મોત નિપજ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જિજ્ઞેશભાઈ કાનજીભાઈ ચૌધરી (ઉ.વ. 29), જેઓ સૈન્યમાં ફરજ બજાવતા હતા, તેમની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે. આ ઘટના રવિવારે રાત્રે આશરે 11.30 કલાકે જમ્મુ તાવી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં લુણકસર અને બિકાનેર વચ્ચે બની હતી.
ચાદર માંગવા અંગે ઝઘડો
જિજ્ઞેશ ચૌધરી પંજાબના ફિરોઝપુરા રેલવે સ્ટેશનથી ગુજરાત આવવા માટે ટ્રેનના સ્લીપર કોચ (સીટ નંબર ૧૨)માં બેઠા હતા, પરંતુ તેઓ એસી કોચ બી-૪માં ગયા હતા. અહીં તેમને ઓઢવા માટે ચાદર માગવા મુદ્દે કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડામાં ઉશ્કેરાયેલા કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણે જીજ્ઞેશભાઈ પર છરીથી હુમલો કર્યો હતો. છરી જવાનના પગની પિંઢળીમાં ઊંડે સુધી વાગી હતી. ભારે રક્તસ્ત્રાવ થવાને કારણે જિજ્ઞેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
એટેન્ડેન્ટની ધરપકડ
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણની અટકાયત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જુબેરને અમદાવાદ સ્થિત ન્યુટેક ગ્રૂપ દ્વારા ટ્રેનમાં એટેન્ડેન્ટ તરીકે નોકરી આપવામાં આવી હતી. ફરજ પરથી રજા લઈને વતનમાં પોતાના પરિવાર પાસે પરત ફરી રહેલા જવાનના આ દુઃખદ અને અણધાર્યા મોતથી સમગ્ર વડગામ તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે. જવાનનો મૃતદેહ બુધવારે વતનમાં લાવવામાં આવશે, જ્યાં તેમની સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે.

