Panchmahal: હાલોલ તાલુકાના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા એમ.જી. મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ત્રણ ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ગોડાઉન ચારે બાજુથી સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ફાયરબ્રિગેડની ટીમને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે જેસીબી મશીનની મદદથી ગોડાઉનની દીવાલ તોડી ફાયર ટીમ માટે પ્રવેશ માર્ગ બનાવવો પડ્યો હતો. ફાયર કર્મચારીઓ દ્વારા મશીનની મદદથી અંદર રહેલા મટીરીયલને કટઅપ કરીને આગના ફેલાવાને રોકવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
હાલોલ નગરપાલિકાના ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આગ અત્યંત વિકરાળ હોવાને કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલોલ ઉપરાંત કાલોલ, ગોધરા, જીએફએલ કંપની, એલેમ્બિક અને પોલિકેબ સહિતના અનેક એકમોની ફાયર ટીમોને મદદ માટે બોલાવવામાં આવી છે. તમામ ટીમો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં પ્લાસ્ટિક, લેધર અને લાકડાં જેવી જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો, જેના કારણે આગે ઝડપી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટાળા દૂર સુધી આકાશમાં દેખાતા થતાં ચંદ્રપુરા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલોલ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં. ફાયર વિભાગના સતત પ્રયાસો બાદ પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગથી કેટલું નુકસાન થયું તે હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ અનુમાન છે કે લાખો રૂપિયાનો માલ ખાક થઈ ગયો છે.

