Panchmahal News: વડોદરાની પશ્ચિમ રેલ્વે પોલીસ દ્વારા ગોધરા વિસ્તારની કુખ્યાત “સિંગલ ફળીયા ગેંગ”ના છ સભ્યોને ઝડપી ગુજસીટોક (GCTOC) અધિનિયમ-2015 હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુન્હાહિત ટોળકી, છેલ્લા દસ વર્ષથી રેલ્વે સ્ટેશનો અને મુસાફરોના કિંમતી સામાનની ચોરી, સ્નેચિંગ, રેલ્વેની રાષ્ટ્રીય સંપત્તિનો નુકસાન અને અન્ય સંગઠિત ગુનાઓમાં સંડોવાઈ હતી.
પોલીસ ઇન્સપેક્ટર ટી.વી. પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી તપાસમાં આ ગેંગ લીડર હસન ઉર્ફે ટકન સલીમ શેખ અને હુસેન સલીમ શેખે મુસાફરોના પર્સ, મોબાઇલ ફોન, ચેઈન તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી કરવા માટે ટ્રેનોના પ્રેશર બ્રેક અને દરવાજા તોડવાની ટેક્નીકનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું. ગેંગના અન્ય સભ્યો સુલતાન નિશાર ખાલપા, ઈમરાન નિશાર ખાલપા, ફરદીન ઈનાયતઅલી મકરાણી અને યાસીન સલીમ શેખ દ્વારા પણ આ ગુનાઓમાં સહભાગી થવાનો ખુલાસો થયો છે.
પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગની આ તપાસમાં દર્શાવાયું છે કે ગેંગે 31 અલગ-અલગ ગુનાઓમાં ભાગ લીધો હતો, જેમાં રેલ્વેની નેશનલ સંપત્તિનો નુકસાન, જાનથી મારવાનો ભય, ગૌમાંસનો ગેરકાયદેસર સંગ્રહ, દારૂની હેરાફેરી અને ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી સામેલ છે. પોલીસ દ્વારા આ તમામ ગુનાઓને ધ્યાનમાં રાખીને ફરીયાદ રજીસ્ટર કરી તપાસ આગળ વધારી છે.
અભય સોની પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે વડોદરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપીઓના પકડાયા બાદ ટ્રેન મુસાફરોમાં અને રેલ્વે સ્ટેશનોમાં સલામતી વધારવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશને સિંગલ ફળીયા ગેંગના આ છ આરોપીઓ સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ હેઠળ કાર્યવાહી નોંધાવી છે. હાલ, નાયબ પોલીસ અધિક્ષક જી.એસ. બારીયા દ્વારા આ ગુનાહિત ટોળકીની તપાસ સંપૂર્ણ રીતે ચાલી રહી છે.

