Patan: રાધનપુર-કંડલા હાઈવે પર ભયાનક અકસ્માત, એકસાથે 5 વાહનો વચ્ચે ટક્કર, 4નાં મોત અને 8થી વધુ ઘાયલ

મોટી પીપળી ગામની નજીક એકસાથે પાંચ વાહનો જેમાં એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપનો સમાવેશ થાય છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 05 Oct 2025 12:13 PM (IST)Updated: Sun 05 Oct 2025 12:21 PM (IST)
patan-news-5-vehicle-collision-on-radhanpur-kandla-highway-kills-4-8-injures-615026

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર નજીક કંડલા નેશનલ હાઈવે પર આજે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટી પીપળી ગામની નજીક એકસાથે પાંચ વાહનો જેમાં એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપનો સમાવેશ થાય છે. આ વાહનો સામસામે ટકરાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 4 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રેલરની ટક્કર બાદ વાહનો દટાયા

પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રેલરની ટક્કર બાદ અન્ય વાહનો ધડાકાભેર અથડાયા હતા, જેના કારણે કેટલાક વાહનો પલટી ખાઈ ગયા હતા અને દબાઈ ગયા હતા. અકસ્માતની ગંભીરતાને કારણે વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં બચાવ કાર્યકર્તાઓને ભારે મુશ્કેલી પડી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની સાયરનથી સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને રાધનપુરની રેફરલ હોસ્પિટલ સહિત નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોટા હોસ્પિટલમાં રિફર કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

ગમખ્વાર અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી. પોલીસે યુદ્ધના ધોરણે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી દૂર ખસેડીને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

હાલમાં પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર થયો અને કયા વાહનની બેદરકારી હતી તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. અકસ્માતની આ ઘટનાએ હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં ભારે ભયની લાગણી ફેલાવી દીધી છે.