Patan: પાટણમાં આવેલ ધારપુર હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવા મેસેજ ફરતા થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. હકીકતમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને એક્સપાયર ડેટ વાળી દૂધની થેલીઓ આપવામાં આવી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ મામલે તપાસના આદેશ આપવાામં આવ્યા છે.
ટચ સ્ટોન નામની એજન્સી દ્વારા ધારપુર હોસ્પિટલની કેન્ટીનનું સચાલન કરવામાં આવે છે. આ એજન્સીના સુપરવાઈઝર દ્વારા આજે હોસ્પિટલના ટીબી અને ગાયનેક વૉર્ડના દર્દીઓને એક્સપાયર ડેટવાળુ અને ખાટું દૂધ પીવા માટે આપવામાં આવ્યું હતુ. જેના પગલે દર્દીઓ તેમજ તેમના સબંધીઓએ હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો
હોસ્પિટલના દર્દીઓને એક્સપાયરી ડેટનું દૂધ પધરાવવામાં આવ્યું હોવાના મેસેજ વોટ્સએપ ગ્રુપમાં ફરતા થતાં અધિકારીઓ દોડતા થયા હતા. આ મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા પણ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.
આ મામલે ધારપુર હોસ્પિટલના RMO રમેશભાઈએ જણાવ્યું કે, દર્દીઓને આપવામાં આવેલી 68 થેલીઓ પૈકી 32 થેલીની 11મીં તારીખની નીકળી હતી. જે ખાટું થઈ ગયું હોવું જોઈએ. આ બાબતની જાણ થતાં અમે દર્દીઓનું ચેકઅપ કરાવ્યું, પરંતુ કોઈને કોઈ તકલીફ નથી.

જ્યારે હોસ્પિટલના અધિક્ષક ચિંતન રાવલે જણાવ્યું કે, જે દર્દીઓને હાઈ પ્રોટીન ડાયટ ચાલતી હોય, તેવા દર્દીઓને દૂધ આપવામાં આવ્યું હતુ. જો કે દૂધ ખાટું લાગતા દર્દીઓએ નર્સિંગ સ્ટાફને જાણ કરતા ચેક કરવામાં આવ્યું તો, કેટલીક થેલી એક્સપાયરી ડેટ વાળી નીકળી હતી. આ દૂધ ફેકી દેવામાં આવ્યું છે.

