Patan: હારીજના નાણા ગામે વોન્ટેડ આરોપીઓને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 20 લોકોના ટોળાએ ઘેરીને ત્રણ આરોપીઓને છોડાવ્યા

પાટણના હારીજ તાલુકાના નાણા ગામમાં 19 ઓક્ટોબર, 2025ની રાત્રે આશરે 20 લોકોના ટોળાએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી, હુમલો કર્યો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 20 Oct 2025 04:55 PM (IST)Updated: Mon 20 Oct 2025 04:55 PM (IST)
patan-news-police-attacked-in-harijs-nanan-village-mob-of-20-frees-three-wanted-accused-624338
HIGHLIGHTS
  • પોલીસના કબજામાંથી પકડાયેલા ત્રણ વોન્ટેડ આરોપીઓને છોડાવી ભગાડી મૂક્યા હતા.
  • પોલીસે આરોપીઓની ધરપકડ કરતાં જ, ધરપકડ ટાળવા માટે આરોપીઓએ બૂમાબૂમ કરી હતી.

Patan News: પાટણ જિલ્લામાં કાયદાનો ડર ન હોય તેવી સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં વોન્ટેડ આરોપીઓને પકડવા ગયેલી પોલીસની ટીમ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. પાટણના હારીજ તાલુકાના નાણા ગામમાં 19 ઓક્ટોબર, 2025ની રાત્રે આશરે 20 લોકોના ટોળાએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી, હુમલો કર્યો અને પોલીસના કબજામાંથી પકડાયેલા ત્રણ વોન્ટેડ આરોપીઓને છોડાવી ભગાડી મૂક્યા હતા.

ખાનગી વાહનમાં પહોંચેલી ટીમ

રાધનપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એચ.વી. ચૌધરી અને અન્ય ચાર પોલીસકર્મીઓની ટીમ રાધનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક ગુનાના વોન્ટેડ આરોપીઓ બળદેવ રબારી, પચાણ રબારી અને હમીર રબારીને પકડવા માટે ખાનગી વાહનમાં નાણા ગામે ગઈ હતી. રાત્રે લગભગ 10:45 કલાકે બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને તેમના ઘરની પાછળની ખુલ્લી જગ્યામાંથી સફળતાપૂર્વક પકડી પાડ્યા હતા.

આરોપીઓએ બૂમાબૂમ કરી ટોળું ભેગું કર્યું

પોલીસે આરોપીઓની ધરપકડ કરતાં જ, ધરપકડ ટાળવા માટે આરોપીઓએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે તરત જ માના ખટાણા, અમરત રબારી, વાઘા રબારી, કાનજી રબારી, ભીખા રબારી સહિત પાંચ નામજોગ વ્યક્તિઓ, બે અજાણ્યા પુરુષો અને આશરે સાતથી આઠ મહિલાઓ લાકડીઓ લઈને દોડી આવ્યા હતા.

આ ટોળાએ એકજૂથ થઈને પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને પોલીસ પર સીધો હુમલો કર્યો હતો. ઝપાઝપી કરીને તેમણે પકડાયેલા ત્રણેય આરોપીઓને પોલીસના કબજામાંથી છોડાવી ભગાડી દીધા હતા.

ટોળાને ઉશ્કેરવાનો ગંભીર પ્રયાસહુમલા દરમિયાન, ટોળાએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી, અપશબ્દો બોલ્યા અને ખેતરના માટીના ઢેફા પણ પોલીસ તરફ ફેંક્યા હતા. આ ઘટનામાં, શિવા રબારી અને એક અજાણ્યા વ્યક્તિ (જેણે પોતાને ક્લાસ 2 અધિકારી તરીકે ઓળખાવ્યો) ત્યાં આવી પહોંચ્યા હતા.તેમણે ભેગા થયેલા લોકોને ઉશ્કેરીને કહ્યું હતું કે, "પોલીસ મારું શું તોડી લેશે અને લાકડીઓથી તેઓને મારો". આ સાથે જ, તેમણે પોલીસને "આનું પરિણામ તમારે ભોગવવું પડશે" તેવી ધમકી આપીને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો.

કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલપોલીસે આ સમગ્ર હુમલા અને ફરજમાં રૂકાવટની ગંભીર ઘટના અંગે 10 નામજોગ અને 10 અજાણ્યા સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. ટોળા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા અને પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.