Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની છમીશા કેનાલમાં ઝંપલાવીને પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હાલ તો પોલીસે પ્રેમી યુગલના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચાણસ્મા તાલુકાના છમીસા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈકાલે સાંજના સમયે એક યુવક અને યુવતીએ પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં ચાણસ્મા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્નેના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં રહેતા 20 વર્ષીય ચેતન બબાભાઈ ઠાકોર તરીકે થઈ હતી. જ્યારે યુવતીએ સાંતુન ગામની પરિણીતા ચેતના ઠાકોર (20) હતી.
ગઈકાલે સવારે ચેતન પોતાના ઘરે કોલેજ જવાનું કહીને નીકળી ગયો હતો. આ સમયે ચેતના પણ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ આ બન્ને જણા છમીસા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર આવ્યા હતા. જ્યાંથી બન્ને જણાએ પોતાના મોબાઈલમાંથી લાઈવ લોકેશન પરિવારના સભ્યોને મોકલીને કેનાલમાં કૂદકો મારી દીધો હતો.
પરિવારના સભ્યોએ લોકેશનના આધારે કેનાલ પર આવીને તપાસ કરતાં બન્નેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા. હાલ તો ચાણસ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં મામા-ફોઈના પિતરાઈ ભાઈ-બહેને મોતની સોડ તાણી
આજથી ચારેક મહિના પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમી પંખીડાના આપઘાતનો આવો જ એક આઘાત જનક બનાવ સામે આવ્યો હતો. જેમાં જિલ્લાના ચોટીલા તાલુકાના ગોલીડા ગામમાં રહેતો પરિણીત અને 2 સંતાનોના પિતા એવા વનરાજ રંગપરા (26)ની કંથારિયા ગામમાં રહેતી અસ્મિતા ઝીંઝરીયા (22) સાથે આંખો મળી ગઈ હતી.
વનરાજ અને અસ્મિતા સબંધમાં મામા-ફોઈના સંતાનો હોવાથી ભાઈ-બહેન થતાં હોય સમાજ તેમના પ્રેમને ક્યારેય સ્વીકારશે જ નહીં તેની જાણ થતાં પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયા હતા. જે બાદ કંથારીયા ગામની વીડ વિસ્તારમાં વૃક્ષ સાથે દોરડું બાંધીને તેના બન્ને છેડા પર લટકીને આપઘાત કરી લીધો હતો.

