Porbandar: નરસંગ ટેકરી ફાટક બંધ થતા જનઆક્રોશ ભભૂક્યો, હજારો મહિલાઓએ ટ્રેક પર બેસી રેલ રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી

મોટી સંખ્યામાં હજારો લોકોએ ભેગા થઈને ટ્રેનના પાટા પર બેસીને વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ પાટા પર બેસીને ધૂન બોલી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 08 Oct 2025 03:35 PM (IST)Updated: Wed 08 Oct 2025 03:35 PM (IST)
porbandar-women-protest-closure-of-narsang-tekri-gate-attempt-to-block-train-tracks-616874
HIGHLIGHTS
  • ફાટક બંધ થવાના કારણે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફાટક બંધ થઈ જતાં બ્રિજ બનાવવામાં આવ્યો છે.
  • લોકોને હવે ત્રણથી ચાર કિલોમીટર ફરીને બ્રિજ પર જવું પડે છે, જેના કારણે તકલીફ ભોગવવાનો વારો આવે છે.

Porbandar News: પોરબંદરમાં નરસંગ ટેકરી ફાટક મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. અહીં ફાટક બંધ થવાના કારણે મહિલાઓએ ઉગ્ર આંદોલન કર્યું અને લોકો દ્વારા રેલ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હજારો લોકોએ ભેગા થઈને ટ્રેનના પાટા પર બેસીને વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ પાટા પર બેસીને ધૂન બોલી હતી, અને પોલીસ તેમને ત્યાંથી હટાવવાના પ્રયત્ન કરી રહી હતી. જોકે, પોલીસે પણ ત્યાં હાલ પહોંચી છે.

ફાટક બંધ થવાના કારણે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફાટક બંધ થઈ જતાં બ્રિજ બનાવવામાં આવ્યો છે. લોકોને હવે ત્રણથી ચાર કિલોમીટર ફરીને બ્રિજ પર જવું પડે છે, જેના કારણે તકલીફ ભોગવવાનો વારો આવે છે. જે લોકો રોજના અપડાઉન કરે છે, તેમને પહેલાં રસ્તો ક્રોસ કરવો સરળ હતો, પરંતુ હવે લાંબો ફેરો ફરવા જવું પડે છે. નોકરી કરવા જતા લોકોના રોજના બે કિલોમીટર વધી ગયા છે, જે મહિનાના 60 કિલોમીટર જેટલું પેટ્રોલ ખર્ચ વધારે છે. આ ફાટક છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ કારણ કે ઈશારા સંકેત વગર બંધ કરી દેવાયું છે.

આંદોલનકારી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા છે કે, ફાટક બંધ થવાનું કારણ માત્ર ને માત્ર રાજનીતિ છે. તેમણે એવા આરોપો પણ લગાવ્યા કે આવનારા દિવસોમાં સરકાર માટે કપરો સમય આવવાનો છે. ઘણા લાંબા સમયથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ફાટકનો મુદ્દો નેતાઓને ભારે પડી શકે છે. વિરોધ દરમિયાન મહિલાઓ અને પુરુષોએ ફાટક ખોલોના નારા સાથે રેલ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે તેમના ટેક્સના પૈસાથી નેતાઓ જલસા કરે છે, પરંતુ તેમને સગવડ આપવામાં આવતી નથી.

સ્થાનિક લોકો આ ફાટકના મુદ્દે આંદોલન કરવા માટે પાંચમી કે છઠ્ઠી વખત આવ્યા હશે. બે વખત આંદોલન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. તેઓ અરજી કરવા માટે કલેક્ટર અને કમિશનર પાસે પણ ગયા છે, પરંતુ તેમને માત્ર ગોરી પીવડાવીને બેસાડી દેવામાં આવે છે. અગાઉ અર્જુનભાઈને મળતા તેમણે ચાર મહિના માટે ફાટક ખોલાવી દેવાની વાત કરી હતી. જ્યારે લોકો ફરિયાદ કરવા ગયા ત્યારે કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે આનાથી માત્ર અડધો કિલોમીટરનો ફરક પડે છે. જોકે, વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે હકીકતમાં ચાર કિલોમીટરનો ફરક પડે છે.

આંદોલનકારીઓની મુખ્ય માંગણી એક જ છે કે આ ફાટક ખોલવામાં આવે અને ફાટક ઉપરનો રોડ વ્યવસ્થિત બનાવવામાં આવે. તેમને વૈકલ્પિક રસ્તો જોઈતો નથી, પરંતુ આ જ ફાટકવાળો રસ્તો જોઈએ છે. મહિલાઓએ તંત્રને આઠ દિવસની મુદત આપી છે. તેમણે કહ્યું છે કે જો આઠ દિવસમાં ફાટક નહીં ખુલે તો સૌથી મોટું આંદોલન કરવામાં આવશે. જો પાંચ દિવસમાં કોઈ જવાબ કે પરિણામ નહીં આવે, તો તેઓ ટ્રેન રોકો આંદોલન કરશે. 40,000 પબ્લિક રોજ પારાવાર મુશ્કેલી વેઠી રહી છે, અને તંત્રએ તાત્કાલિક યુદ્ધના ધોરણે નિર્ણય લેવો જોઈએ તેવી લોકોની માંગણી છે.